વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે કેટલાક રાજ્યોમાં 20 એપ્રિલે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી દીધી છે. પરંતુ, તેલંગાણા, પંજાબ અને દિલ્હીએ સોમવારથી કોઇ પણ પ્રકારની છૂટછાટ ન આપવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાએ 7 મે સુધી લોકડાઉનમાં વધારો કર્યો છે. પંજાબે કહ્યું છે કે 3જી મે સુધી લોકડાઉનમાં કોઇ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં. ત્યારે આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે 27 એપ્રિલે છૂટછાટ મામલે બેઠક યોજવામાં આવશે અને ત્યારે જ નિર્ણય લેવામાં આવશે, તે પહેલાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
તેલંગાણામાં મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે કેબિનેટમાં લોકડાઉનને 7મી મે સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. કેસીઆરે કહ્યું છે કે 7મી મે સુધી પ્રદેશમાં કોઇ પણ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં 14 દિવસ સુધી જરૂરી આઇસોલેશન પિરિયડ પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારે કોઇ પણ પ્રકારની એજન્સી અને કંપનીને ડોર-ટુ-ડોર ઇ-ડિલિવરી, ફૂડ ડિલિવરી, પાર્સલ ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે. કેબિનેટે મકાનમાલિકોને આ સમયગાળા દરમિયાન કોઇ પણ ભાડુઆત પાસેથી ભાડું ન લેવા અપીલ કરી છે.
પંજાબના મુખ્યપ્રધાન અમરીંદર સિંહે કહ્યું કે, ‘3 મે સુધી લોકડાઉનમાં કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન માત્ર ઘઉંના ખરીદ-વેચાણમાં જ છૂટ આપવામાં આવશે.’ તેમણે આદેશ આપ્યો કે 3 મેના રોજ ફરી એકવાર સમીક્ષા બેઠક કરવામાં આવશે અને ત્યાં સુધી દરેક જિલ્લા પ્રશાસને કર્ફ્યૂનું સખત પાલન કરવાનું રહેશે. એવું માનવામાં આવી રહ્યું હતું કે રમજાન દરમિયાન રાજ્યમાં થોડી છૂટછાટ આપવામાં આવશે, પરંતુ અમરિંદરે આ મામસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રમજાનમાં પણ કોઈ નાગરિકને વિશેષ પાસ કે સુવિધા આપવામાં આવશે નહીં.
દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘નાગરિકોની જિંદગીને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કર્યો છે કે, 20 એપ્રિલથી લોકડાઉનમાં કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. અમે વિશેષજ્ઞો સાથે 27મી એપ્રિલે લોકડાઉના સંદર્ભમાં સમીક્ષા બેઠક કરીશું. જેમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવશે. દિલ્હીમાં કુલ 11 જિલ્લાઓ છે અને તમામ કોરોના હોટસ્પોટ છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.’