(Photo credit should read BAY ISMOYOAFP via Getty Images)

કોરોનાવાયરસના કારણે મરણ પામેલ કમનસીબ લોકોના પરિવારો પણ એટલા જ દુર્ભાગ્યવશ હતા કે જેઓ પોતાના સ્વજનના ફ્યુનરલમાં ભાગ લઇ શક્યા નહોતા. પરંતુ સરકારે સ્વજનો ફ્યુનરલમાં ભાગ લઇ શકે તે માટે એક યોજના ઘડી કાઢી કાઉન્સિલોને સલામત અને નવીન અભિગમો રજૂ કરવા જણાવ્યું છે જેથી શોકગ્રસ્ત પરિવારો અંતિમવિધિમાં ભાગ લઈ શકે. સરકાર સ્પષ્ટ છે કે નજીકના કુટુંબીજનોને રૂબરૂમાં અંતિમવિધિમાં જોડાવાની છૂટ હોવી જ જોઇએ. અંતિમ સંસ્કાર બાબતે સ્થાનિક અધિકારીઓ માટે જરૂરી આકસ્મિક પગલાં અંગે માર્ગદર્શીકા પ્રકાશીત કરવામાં આવી છે.

સરકાર સતત સ્પષ્ટતા કરી રહી છે કે અંતિમ સંસ્કાર કરવામાં વિલંબ ન થાય અને સામાજિક અંતર જાળવવાની માર્ગદર્શિકાનુ પાલન કરી તેમાં ભાગ લેનારા અને સ્ટાફ બંનેને સુરક્ષિત રાખવા.

લોકલ ગવર્મેન્ટ મિનીસ્ટર  સિમોન ક્લાર્કે ઇંગ્લેન્ડની તમામ કાઉન્સિલોને પત્ર લખી જણાવ્યુ હતુ કે ‘’પરિવારના સભ્યો તેમના પ્રિયજનોની અંતિમ વિધિમાં ભાગ લઈ શકે અને આ રોગચાળા દરમિયાન મૃતકોની ઇચ્છાઓનું સન્માન કરવામાં આવે તે માટે સુરક્ષિત, સંવેદનશીલ અને નવીન રીતો વિકસાવવા માટે સ્થાનિક અધિકારીઓને ફેઇથ ગૃપ અને ફ્યુનરલ ડાયરેક્ટર્સ સાથે કામ કરવુ. ઘણી કાઉન્સિલોએ નવીન વ્યવસ્થા ગોઠવી દીધી છે જેથી અંતિમવિધિ સુરક્ષિત અને સંવેદનશીલ રીતે થઇ શકે. બધી કાઉન્સિલોએ અંતિમ સંસ્કારને કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે ધ્યાનમાં લેવું જોઈએ જેથી નજીકના કુટુંબીઓ તેમના પ્રિયજનની વિધિ કરી શકે અને તેમની અંતિમ ઇચ્છાઓ અને માન્યતાઓનો આદર કરવામાં આવે.’’ તેમણે આ માટે પહેલેથી જ પરિશ્રમ કરી રહેલી બહુમતી કાઉન્સિલોની પ્રશંસા કરી હતી.

સેક્રેટરી ઓફ ધ સ્ટેટ રોબર્ટ જેન્રિકે કહ્યું હતુ કે “પરિવારોને આ અતિ મુશ્કેલ સમયે તેમના સ્નેહીજનોને અંતિમ માન આપવાનો અધિકાર મળવો જ જોઇએ. નજીકના કુટુંબીજનો આ રોગચાળા દરમિયાન વ્યક્તિમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેવા સક્ષમ હોવા જ જોઈએ અને સામાજિક અંતરની માર્ગદર્શિકાને અનુસરીને સલામત રીતે તેમ કરી શકે છે. સલામત અને સંવેદનશીલ પગલાં દેશભરમાં લાગુ પડે તે સુનિશ્ચિત કરવા અમે કાઉન્સિલો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

સરકારે કાઉન્સિલ્સ માટે કોરોનાવાયરસ એક્ટના શેડ્યુલ 28 મુજબ નવી માર્ગદર્શીકા પણ પ્રકાશિત કરી છે. જેમાં આકસ્મિક પગલાની રૂપરેખા આપવામાં આવી છે. આ સત્તા અંતર્ગત કાઉન્સિલોને કોઈને દફન કરવા કે તેમના અગ્નિ સંસ્કાર કરવા, સ્મશાનગૃહને લાંબો સમય સુધી ખુલ્લુ રાખવા નિર્દેશિત કરવા અને ફ્યુનરલ ડાયરેક્ટર્સને વિધિ ટૂંકમાં પતાવવા દિશા નિર્દેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર હંમેશાં સ્પષ્ટ રહી છે કે જો જાહેર આરોગ્યનું જોખમ હોય તો ફક્ત અપવાદરૂપ સંજોગોમાં જ આ નિયમો લાગુ થશે.

ધાર્મિક આવશ્યકતાઓની ખાતરી કરવા માટે સરકારે ફેઇથ જૂથો સાથે મળીને કામ કર્યું છે અને અંતિમસંસ્કાર કરતી વખતે લાશ દફન થશે કે તેના અગ્નીસંસ્કાર થશે તે વખતે પરિવારની ઇચ્છાઓ ધ્યાનમાં લેવામાં આવે છે.