કોરોના સામે લડનારા નેતાઓમાં નરેન્દ્ર મોદીને વિશ્વમાં અગ્રેસર ગણાવાયા છે. અમેરિકા સ્થિત કન્સલ્ટિંગ એજન્સી મોર્નિંગ કન્સલ્ટે કરેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું હતું. એજન્સીએ ૧લી જાન્યુઆરીથી ૧૪ એપ્રિલ સુધીના સમયગાળામાં ક્યા નેતાએ કેવું કામ કર્યું તેનો ઓનલાઈન સર્વે કર્યો હતો. આ સર્વે પ્રમાણે કોરોના સામે લડવાની કામગીરી કરવામાં નરેન્દ્ર મોદી અન્ય નેતાઓથી ચડિયાતા સાબિત થયા છે.
બીજી તરફ માઈક્રોસોફ્ટના સ્થાપક અને ધનપતિ બિલ ગેટ્સ્ વડા પ્રધાન મોદીને પત્ર લખીને વખાણ કર્યા હતા. ગેટ્સે લખ્યું હતું કે તમારું નેતૃત્વ સક્ષમ છે, માટે જ ભારતમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. કોરાના અટકાવવા માટે લીધેલા આરોગ્ય સેતુ, લૉકડાઉન સહિતના પગલાં પણ ગેટ્સે વખાણ્યા હતા. ગેટ્સે મોદી ઉપરાંત સમગ્ર સરકારી તંત્ર જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, તેના માટે સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ટેકનોલોજીમાં ભારત પછાત ગણાતો દેશ હતો પરંતુ કોરોના સામેની લડતે એ ખ્યાલ બદલી નાખ્યો છે.
મોર્નિંગ કન્સલ્ટે આ સર્વે રેટિંગ પદ્ધતિ પ્રમાણે કર્યો હતો. એમાં નક્કી થયેલા દસ નેતાઓને રેટિંગ આપવાના હતા. એ પ્રમાણે સૌથી વધુ માર્ક્સ મોદીને મળ્યા છે. તો અગ્રણી ગણાતા નેતાઓ ટ્રમ્પ, શિન્ઝો આબે, ફ્રાન્સના મેક્રોનને તો માઈનસમાં રેટિંગ મળ્યું છે. અન્ય નેતાઓમાં બ્રાઝિલના પ્રમુખ, જર્મની, કેનેડા, બ્રિટન, મેક્સિકો.. વગેરેના પ્રમુખ કે વડા પ્રધાનનો સમાવેશ થાય છે. એ બધાની કામગીરી મોદી કરતાં ઉણી ઉતરી છે.