ભારતમાં રિસર્ચની દ્રષ્ટિએ ટોપ ચાર સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે, મે મહિનામાં દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોનો આંકડો 38000 સુધી પહોંચી શકે છે.જ્યારે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 30 લાખ સુધી પહોંચી જશે. આ આગાહી કરનાર સંસ્થાઓમાં જવાહરલાલ નહેરુ સેન્ટર ઓફ એડવાન્સ રિસર્ચ, બેંગ્લોરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, આઈઆઈટી મુંબઈ અને સેનાની પૂણે સ્થિત મેડિકલ કોલેજ સામેલ છે.

તેમના રિસર્ચ પ્રમાણે મે મહિનાના મધ્ય સુધીમાં દેશને 76000 આઈસીયુ બેડની જરુર પડશે.કારણકે ત્યાં સુધીમાં કેસમાં ભારે વધારો થયો હશે. આ ચાર સંસ્થાઓએ અગાઉ ઈટાલી અને ન્યૂયોર્કમાં મોતની સંખ્યા અંગે જે ભવિષ્યવાણી કરી હતી તે મહદઅંશે સાચી પૂરવાર થઈ હતી.

જવાહરલાલ નહેરુ સેન્ટર ઓફ એડવાન્સ રિસર્ચના સંશોધક સંતોષ અસુમલીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે હાલના ડેટાના આધારે સૌથી ખરાબ સિનારિયો કેવો હોઈ શકે છે તેનુ અનુમાન કર્યુ છે. જે પ્રમાણે મે 19 સુધીમાં દર્દીઓની સંખ્યા 38000ની આસપાસ થઈ શકે છે.જોકે આ ડેટામાં બદલાવ પણ થઈ શકે છે.જોકે અમારો રિસર્ચ પાછળનો ઈરાદો સિસ્ટમને એલર્ટ કરવાનો તથા મેડિકલ સુવિધાઓ વધારવા માટે તંત્રને આગાહ કરવાનો છે.

રિસર્ચમાં થયેલી આગાહી પ્રમાણે 28 એપ્રિલ સુધીમાં દેશમાં મરનારાની સંખ્યા 1012 થશે.તેના પછીના સપ્તાહમાં આંકડો 3258 પર, 12 મે સુધીમાં 10294 અને ચોથા સપ્તાહ સુધીમાં મરનારાની સંખ્યા 38000 સુધી પહોંચી શકે છે. આ મોડેલમાં 3 મે બાદ લોકડાઉન ખુલી શકે છે તે વાતને ગણતરીમાં લેવામાં આવી છે પણ જો લોકાડાઉન ચાલુ રહ્યુ તો મોતની સંખ્યા ઓછી રહી શકે છે. મોડેલમાં આગાહી કરવા માટે દર્દીઓની સંખ્યા નહી પણ અત્યાર સુધી થયેલા મોતના આંકડાને આધાર બનાવાયો છે.