કોરોના વાઈરસથી દુનિયા ત્રાસી ગઈ છે. અત્યાર સુધીમાં બે લાખથી વધારે લોકોના મોત થયા છે. 30 લાખથી વધારે લોકોને ઈન્ફેક્શન થયું છે. દુનિયાની અડધી જનતા ઘરમાં કેદ છે. આ દરમિયાન અમુક દેશોમાં લોકડાઉનમાં છૂટ પણ આપવામાં આવી રહી છે. પરંતુ લોકોના મનમાં સતત એ સવાલ છે કે, અંતે આ દુનિયાને કોરોનાથી મુક્તિ ક્યારે મળશે? લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ ક્યારે થશે? આપણે પહેલા જેવું જીવન ક્યારે જીવી શકીશું? આ સવાલોની વચ્ચે સિંગાપોરથી એક આશાવાદી સમાચાર જાણવા મળ્યા છે.
સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનના નિષ્ણાતોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રિવન ડેટા એનાલિસિસ દ્વારા જણાવ્યું છે કે, દુનિયામાંથી કોરોના વાઈરસ ક્યારે ખતમ થશે. રિસર્ચ પ્રમાણે દુનિયાના દરેક દેશોમાંથી કોરોનાનો અંત 9 ડિસેમ્બર 2020 સુધીમાં થઈ જશે. ભારતમાંથી તે સંપૂર્ણ રીતે 26 જુલાઈ સુધીમાં ખતમ થશે. અમેરિકામાં 27 ઓગસ્ટ સુધીમાં ખતમ થવાની શક્યતા છે. આ જ રીતે સ્પેનમાં 7 ઓગસ્ટ અને ઈટાલીમાં 25 ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે કોરોના સમાપ્ત થશે.
નિષ્ણાતોએ આ મહામારી સમાપ્ત થવાના ત્રણ અંદાજિત સમય જણાવ્યા છે. તે પ્રમાણે 97 ટકા કોરોના ક્યાં સુધી પૂરો થશે, 99 ટકા અને 100 ટકા ક્યાં સુધીમાં પૂરો થશે. આ રિસર્ચ ગ્રાફ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જોકે રિસર્ચ કર્તાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમના અનુમાનિત સમયમાં થોડો ફેરફાર પણ આવી શકે છે, કારણકે આ અંદાજે પ્રમાણે ચીનમાં કોરોના વાઈરસ ખતમ થવાનો સમય 9 એપ્રિલ 2020 જણાવવામાં આવ્યો હતો. જોકે આ જ દિવસે ચીને વુહાનમાં લોકડાઉન ખોલ્યું હતું. જોકે ચીનમાં હજી પણ અમુક કેસ આવી રહ્યા છે, પરંતુ તેની સંખ્યા વધારે નથી.
નિષ્ણાતોએ આ રિસર્ચ સમગ્ર દુનિયામાં રોજ આવતા કોરોનાના નવા કેસ, મૃત્યુઆંક અને સાજા થનાર દર્દીઓના તુલનાત્મક અભ્યાસના આધારે કર્યો છે. તેમના મત પ્રમાણે દુનિયામાંથી કોરોના 97 ટકા 30 મે સુધીમાં, 99 ટકા કેસ 17 જૂન અને 100 કેસ 9 ડિસેમ્બર 2020 સુધીમાં પૂરા થઈ જશે. ભારતમાંથી કોરોનાના 97 ટકા 22 મે સુધીમાં 99 ટકા કેસ 1 જૂન અને 100 કેસ 26 જુલાઈ 2020 સુધીમાં પૂરા થઈ જશે. જો અમેરિકાની વાત કરીએ તો અહીં કોરોનાના 97 ટકા કેસ 12 મે સુધીમાં, 99 ટકા કેસ 24 મે સુધીમાં અને 100 ટકા કેસ 27 ઓગસ્ટ 2020 સુધીમાં પૂરા થઈ જવાનો અંદાજ છે.