(Photo by Jane Barlow - WPA Pool/Getty Images)

‘100 ટકા સચોટ’ એન્ટીબોડી ટેસ્ટ આગામી ‘બે અઠવાડિયામાં ઉપલબ્ધ થશે’ જેનાથી લોકોને ખાતરી આપી શકશે કે તેઓ રોગ સામે સુરક્ષીત છે અને તેમને તે રોગ ફરીથી થવાની શક્યતા નથી. આમ થવાથી અર્થતંત્રને આગળ વધારવામાં સફળતા મળશે. એક પખવાડિયામાં જ યુકેમાં આ સચોટ એન્ટિબોડી ટેસ્ટ શરૂ થઈ શકે છે.

સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત રોશ ડાયગ્નોસ્ટિક્સે એક કીટ બનાવી છે જેનો ઉપયોગ મોટાપાયે સચોટ રીતે કરી શકાય છે અને દર અઠવાડિયે એનએચએસને હજારો કીટ આપવા જેટલો પૂરતો સ્ટોક છે. આ એન્ટિબોડી ટેસ્ટથી ખબર પડી જાય છે કે ભૂતકાળમાં કોઈને વાયરસનો ચેપ લાગ્યો છે કે નહિ તેમજ તે સૂચવશે કે  જે તે વ્યક્તિમાં રોગપ્રતિકારક ક્ષમતા છે કે નહિ. પણ હાલમાં તેને ચેપ લાગ્યો છે કે કેમ તે ચોક્કસપણે જાણી શકાશે નહિ. આ ટેસ્ટ  બ્રિટનના લાખો લોકો ઉપયોગ કરી શકે તેટલો સચોટ છે.

રોશે દાવો કર્યો છે કે તેની લેબ-આધારિત ‘ઇલેકસીસ’ ટેસ્ટમાં વાઈરસનો ચેપ લાગ્યો છે કે નહિ તેની 100 ટકા સચોટ ખબર પડે છે. રોશે ડાયગ્નોસ્ટિક્સએ કહ્યું હતુ  કે એનએચએસ અને યુકે સરકાર સાથે ટેસ્ટના તબક્કાવાર રોલ-આઉટ’ વિશે વાતચીત કરવામાં આવી રહી છે. અમે યુકેને દર અઠવાડિયે હજારો એન્ટિબોડી પરીક્ષણો આપી શકશું. આ ટેસ્ટ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી યુ.કે.માં કોરોનાવાયરસ કેટલો વ્યાપક છે તેનું સ્પષ્ટ શક્ય ચિત્ર મળે છે. જેનાથી રોગચાળાના બીજા ઉથલાનો ડર ઓછો થઈ જશે.

આ ટેસ્ટના બ્લડ સેમ્પલ કીટની દેશભરમાં આવેલી એનએચએસ લેબ્સના મશીનો દ્વારા તપાસ કરી શકાય છે. આ કીટને મહત્વપૂર્ણ ‘સીઇ માર્ક’ આપવામાં આવ્યો છે, જે બતાવે છે કે તે સલામત છે. ટેસ્ટનુ માત્ર 18 મિનિટમાં પરિણામ મળશે. ખાનગીમાં આ ટેસ્ટ કીટ મળી શકશે નહિ. ટેસ્ટનો કેટલો ખર્ચ છે તે જાણી શકાયુ નથી.

અધિકારીઓ વાયરસના ફેલાવાને જાણવા માટે જરૂરી ડેટા મેળવવા માંગે છે. શક્યતા છે કે સરકારના ‘સર્વેલન્સ’ પ્રોગ્રામ હેઠળ નર્સો હજારો ઘરોમાંથી લોહીના નમૂના લેશે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી લેબમાં મોકલશે જેથી અધિકારીઓ બ્રિટનમાં વાયરસ ક્યાં અને કેટલો ફેલાયો છે તેની માહિતી એકત્ર કરી શકશે. આ એન્ટિબોડી ટેસ્ટ લોકડાઉન અને પ્રતિબંધને સરળ બનાવવા અને બ્રિટનને તેના પગ પર પાછા લાવવાની મહત્વની ચાવી માનવામાં આવે છે.

માર્ચમાં હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે નવ જુદી જુદી કંપનીઓના 3.5 મિલિયન ટેસ્ટ મંગાવ્યા હતા. પરંતુ ત્યારે બહાર આવ્યું હતુ કે આ ટેસ્ટ ચેપગ્રસ્ત લોકોમાંથી 70 ટકા લોકોને જ પારખી શકે છે. ચેપના લક્ષણો વિકસિત થયાના ઓછામાં ઓછા 14 દિવસ પછી તેનો ઉપયોગ કરાય તો 100 ટકા પરિણામ મળે છે.

લોહીના સેમ્પલની ટેસ્ટ કીટનુ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની પોર્ટન ડાઉન ફેસેલીટી ખાતે ચકાસણી કરાઇ રહી છે. પીએચઇની પોર્ટોન ડાઉન લેબમાં છ અઠવાડિયામાં 14,865 લોકોનો ટેસ્ટ કરવામાં સફળ રહી છે જો કે તે વ્યવસ્થા સંશોધન હેતુ માટે છે સમૂહ પરીક્ષણ માટે નહીં. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેને ‘ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશન’ પણ આપવામાં આવી છે, જેમાં લાખો કીટ અમેરિકા મોકલવામાં આવશે. ખાનગી કંપની IQVIA ની નર્સો એનએચએસ પરનો ભાર ઘટાડવા માટે એન્ટિબોડી ટેસ્ટ કરશે.