કોર્પોરેટ સેક્ટર દ્વારા કોરોના સંકટને કારણે આવેલી મંદીનો સામનો કરવા માટે મોટા પેકેજની માગણી કરવામાં આવી રહી છે જે અંગે સરકારે હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, કોઈ મોટા કોરોના પેકેજની આશા કરવી જોઈએ નહીં. ગ્રોથને ગતિ આપવા માટે વહેલી તકે પેકેજની જાહેરાત કરવામાં આવશે પરંતુ અન્ય દેશોની સાથે તુલના કરવી જોઈએ નહીં.
દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને જણાવ્યું કે, પહેલા ક્વોર્ટરમાં આર્થિક ગ્રોથ નેગેટિવ હોઈ શકે છે. જો કે નાણાંકીય વર્ષ 2020-21માં દેશનો જીડીપી ગ્રોથ 2 ટકા સુધી પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રો કોષે ભારતનો જીડીપી ગ્રોથ 1.9 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
સુબ્રમણ્યને જણાવ્યું કે, આપણે કોઈ અન્ય દેશની તુલના કરીને પેકેજની માગ કરી શકતા નથી. એટલું જ નહીં તેમણે 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂ મહામારીનો ઉદાહરણ આપતા જણાવ્યું કે, ત્યારે પણ અર્થવ્યવસ્થાએ પોતાની જાતે જ ગ્રોથ કર્યો હતો. ત્યારે અર્થવ્યવસ્થામાં વી-શેપમાં ગ્રોથ જોવા મળ્યો હતો અને આ વખતે પણ અમે તેની જ આશા કરી રહ્યા છે.

            












