ઇસ્ટ ઇંગ્લેન્ડના પીટરબરોમાં રોક રોડ પર આવેલ ન્યુ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં સ્થાપિત અને કેમ્બ્રિજશાયર, નોર્ફોક અને લિંકનશાયરના વિશાળ પ્રદેશના લગભગ 13,500 હિન્દુઓને સેવા આપતું કોમ્યુનિટી સેન્ટર વેચવા માટે કાઉન્સિલે ખુલ્લી બીડના પ્રયત્નો શરૂ કરતા હવે લગભગ 40 વર્ષ જૂનુ ભારત હિન્દુ સમાજ મંદિર બંધ થવાનું જોખમ ઉભુ થયું છે. આ માટે ચેન્જ ઓર્ગ પર શરૂ કરાયેલ ઇ પીટીશનમાં 4310 સહીઓ એકત્ર થઇ ચૂકી છે. આપ પીટીશનમાં સહી કરવામાં હતા હો તો વેબલિંક https://c.org/HMg7fRHrfp પર ક્લીક કરવા વિનંતી.
1986માં શરૂ થયેલ ભારત હિન્દુ સમાજ મંદિરને બચાવવા માટે પીટરબરો સિટી કાઉન્સિલ સામે ગયા અઠવાડિયે ઇ-પિટિશન શરૂ કરવામાં આવી હતી. તે પ્રદેશ માટે તેના “સામાજિક મૂલ્ય”ને માન્યતા આપતા, મંદિર ચેરિટીને વેચવાનું વિચારવા માટે કાઉન્સિલ દ્વારા અગાઉ 800,000 પાઉન્ડની ઓફર કરવામાં આવી હતી. પણ હવે કાઉન્સિલ આ સંકુલના ખુલ્લા બજારમાં વેચાણ માટે મૂકવા ઓપન બીડ રજૂ કરૂ રહ્યું છે. જેનો હિન્દુઓ વિરોધ કરી રહ્યા છે.
ભારત હિન્દુ સમાજ મંદિરના ભક્તો તેમનું પવિત્ર મંદિર બંધ થઇ શકે છે તેવા વિચારથી નિરાશ થઈ ગયા છે. તેમણે આ માટે એક દાયકા કરતા વધુ સમય સુધી વાટાઘાટો કરી હોવા છતાં કાઉન્સિલ બિલ્ડીંગનું વેચાણ મંદિરને કરવા તૈયાર ન હોવાથી હિન્દુઓ હતાશ છે.
મંદિરના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે “છેલ્લા 14 વર્ષથી, અમે કાઉન્સિલ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. કાઉન્સિલ અમને કિંમત કહે છે, અમારો સમુદાય તે માટે સંમત થાય છે અને તેઓ પાછા આવીને ફરીથી શરતો બદલી નાખે છે. અમે છેલ્લા ૧૪ વર્ષથી સંપૂર્ણપણે અનિશ્ચિત છીએ. થોડા મહિના પહેલા, અમને અંતિમ કિંમત કહેવામાં આવી હતી, જે અમે સ્વીકારી હતી, પરંતુ પછી અમને કહેવામાં આવ્યું હતું કે એક ખુલ્લી ટેન્ડર પ્રક્રિયા થશે કારણ કે અન્ય સમુદાયના સંગઠનો દ્વારા તેને ખરીદવા માટે તેમનો સંપર્ક કરાયો હતો. તેઓ શાબ્દિક રીતે સમુદાયોને એકબીજા સામે ઉભા કરી રહ્યા છે, જે ફક્ત અમારા શહેરમાં અસંમતિ ફેલાવશે. અમારી પાસે અહિં આ એક જ મંદિર છે અને અમે નોર્ફોક સુધી ફેલાયેલા અમારા સમુદાયના સૌ સદસ્યો માટે સૌથી નજીકનું એક માત્ર મંદિર છે.”પીટરબરો સિટી કાઉન્સિલના ફાઇનાન્સ અને કોર્પોરેટ ગવર્નન્સ માટેના કેબિનેટ સભ્ય કાઉન્સિલર મોહમ્મદ જમીલે જણાવ્યું હતું કે ‘’સ્થાનિક કાઉન્સિલે બ્રિટિશ ટેક્સપેયર માટે બિલ્ડીંગની શ્રેષ્ઠ કિંમત મેળવવા માટે સંકુલને ખુલ્લા બજારમાં મૂકવાના નિર્ણય કર્યો છે અને વેચાણ સમયે હાલના ભાડૂતોના અધિકારોને ધ્યાનમાં લેવામાં આવશે. અમે સમજીએ છીએ કે આ હિન્દુ સમુદાય માટે ચિંતાજનક સમય છે. ટોચની બોલી લગાવનાર વ્યક્તિ હાલના ભાડૂતો સાથેની મિલકતનો કબજો લેશે અને તેમણે લેન્ડલોર્ડ અનેડ ટેનન્ટ એક્ટ 1954 હેઠળ જવાબદારી નિભાવવી પડશે.”
ઇ-પિટીશનમાં રજૂઆત કરવામાં આવી છે કે “મંદિર ફક્ત એક ઇમારત નથી – તે પીટરબરોના સમુદાયના જીવનનો એક પાયાનો પથ્થર છે, જે લગભગ 13,500 હિન્દુઓ અને તમામ પૃષ્ઠભૂમિના અસંખ્ય અન્ય લોકોની સેવા કરે છે. તેને ગુમાવવું એ શહેરની સૌથી મોટી સંપત્તિમાંથી એકને ગુમાવવા જેવું હશે. હિન્દુ તહેવારોની ઉજવણીથી લઈને ઇસ્ટર્ન યુરોપીયન ક્રિસમસ મેળો, સ્કૂલ વિઝીટ, આફ્ટર સ્કૂલ સ્પોર્ટ્સ ક્લબ, સાંસ્કૃતિક શિક્ષણ અને સખાવતી પ્રવૃત્તિઓ મંદિર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તે એકતા, વિવિધતા અને સમુદાયની સુખાકારીના પ્રતીક તરીકે ઊભું છે, જે પીટરબરોની એક ખુલ્લા, બહુસાંસ્કૃતિક શહેર તરીકેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.”
આ પીટીશનમાં મંદિર સંકુલમાંથી ચેરિટી દ્વારા ચલાવવામાં આવતી આરોગ્ય અને સુખાકારી, આફ્ટર સ્કૂલ એક્ટીવીટી, રમતગમતના કાર્યક્રમો અને સૂપ કિચન સહિત અનેક સામુદાયીક પહેલોનું વર્ણન કરવામાં આવ્યું છે.
આવતા વર્ષે કાઉન્સિલ કેબિનેટની બેઠકમાં બિડ પર અંતિમ નિર્ણય લેવાની અપેક્ષા છે.
