ભારત સરકારે વિદેશી નાગરિકોને આપેલા તમામ વીસા (કેટલીક કેટેગરી સિવાયના)ને લોકડાઉનમાં ભારતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન બંધ રહે ત્યાં સુધી રદ્ કર્યા છે. બુધવારે વોશિંગ્ટનમાં ઇન્ડિયન એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કારણે અમલમાં આવેલા લોકડાઉનમાં ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના વીસા કોઇપણ પ્રકારની ફી લીધા વગર વધારી આપવામાં આવશે.
આ વીસાની મર્યાદા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેના 30 દિવસ સુધીની રહેશે. એમ્બેસીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ફરીથી સંચાલન શરૂ ન થાય ત્યાં સુધી ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને આપવામાં આવેલા આજીવન વીસા પરના ભારતની મુલાકાતના અધિકારો પણ સ્થગિત કરાયા છે.
જોકે, તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઇન્ડિયામાં પહેલેથી રહેનાર ઓસીઆઇ કાર્ડધારક અમર્યાદિત સમય સુધી રહી શકે છે. સરકારના આદેશ મુજબ ડિપ્લોમેટ, અધિકૃત વ્યક્તિઓ, સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટ વીસા સિવાયના વિદેશીઓને આપેલા તમામ વર્તમાન વીસા જ્યાં સુધી સરકાર ઇન્ડિયા જવા અથવા ત્યાંથી આવવા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના સંચાલન પર મુકેલા પ્રતિબંધ હટાવી ન લે ત્યાં સુધી રદ્ રહેશે.
ઇન્ડિયન એમ્બેસીના જણાવ્યા મુજબ જે વિદેશી નાગરિકોના નિયમિત વીસા, ઇ-વીસાની મુદત પુરી થઇ ગઈ છે અથવા તો 1 ફેબ્રુઆરી 2020થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના સંચાલન પરનો પ્રતિબંધ ઇન્ડિયામાંથી ઉઠાવી લે તે તારીખ સુધીમાં પૂર્ણ થવામાં છે તેમના વીસાની મુદત કોઈ વધારાની ફીઝ લીધા વિના FRRO/FROમાં ઓનલાઇલ એપ્લિકેશન કર્યા પછી વધારી આપવામાં આવશે.
આ વીસાની મર્યાદા ઇન્ડિયામાંથી ફ્લાઇટનું સંચાલન શરૂ થાય ત્યારથી 30 દિવસ માટે મર્યાદિત રહેશે, તેવા એક્સટેન્શન માટે કોઇ દંડ ભરવો પડશે નહીં. ઇન્ડિયામાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન દેશવ્યાપી લોકડાઉનને કારણે 17 મે સુધી રદ્ કરવામાં આવ્યું છે.