ગુજરાતમાં મંગળવારે રાત સુધીમાં 395 નવા કેસ નોંધાયા હતાં. જ્યારે 25 દર્દીના મોત થયા હતાં અને 239 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતાં. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આ સાથે જ રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે.
નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા 395 કેસમાં અમદાવાદમાં 262, સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર અને સાબરકાંઠામાં 7-7, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5, ખેડા, પાટણ અને ભરૂચમાં 4-4, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં 3-3, ભાવનગર અને રાજકોટમાં 2-2 તથા અરવલ્લી, છોટાઉદેપુર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યારસુધીમાં 154674 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 12141 પોઝટિવ અને 142533 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 12141 પોઝિટિવ કેસમાંથી 49 વેન્ટિલેટર પર છે જ્યારે 6330 દર્દી સ્ટેબલ છે. હોટસ્પોટ ઝોન અમદાવાદમાં અત્યાર સુધીમાં 8,945 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 576એ પહોંચ્યો છે. જ્યારે 3023 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આમ સતત 21માં દિવસે શહેરમાં 250થી વધુ કેસ નોંધાયા છે.