અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આ વર્ષે ભક્તો કે મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર નહિ રહી શકે. મંદિરના ટ્રસ્ટ દ્વારા આ વર્ષે જળયાત્રા સાદાઈથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદનયાત્રા બાદ હવે 5 જૂને યોજાનારી જળયાત્રા પણ ભક્તો વગર માત્ર મંદિરના પૂજારીઓની હાજરીમાં યોજાશે. જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં રથયાત્રાના 20 દિવસ પહેલાથી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે 31 મે બાદ ટ્રસ્ટીઓ રાજ્ય સરકાર સાથે મીટીંગ કરી રથયાત્રા અંગે નિર્ણય લેશે.

જમાલપુર જગદીશ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આ વર્ષે જળયાત્રા સાદાઈથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમાલપુર કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવે છે જેથી અન્ય ટ્રસ્ટીઓ આવી ન શકતાં રાજ્ય સરકાર સાથે મીટીંગ થઈ શકી નથી. જળયાત્રામાં માત્ર મંદિરના પૂજારીઓ જ હાજર રહેશે અને ધજા પતાકા સાથેની યાત્રા નહિં યોજાય. 31 મે બાદ જે રીતે પરિસ્થિતિ હશે તે મુજબ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. જળયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ અને કોર્પોરેશનના હોદ્દેદારો પણ હાજર રહેતા હોય છે જો કે તેઓના હાજર રહેવા અંગે પણ 31 મે પછી નિર્ણય લેવાશે.