ગુજરાતમાં કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે રાજય સરકાર દ્વારા હવે જનજીવન તથા વહીવટીતંત્રને પણ સામાન્ય બનાવવા તૈયારી કરી છે અને આ મુદે આજે વધેલી કેબીનેટ બેઠકમાં આ અંગે ઔપચારીક ચર્ચા થઈ હતી. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.1થી રાજયમાં ફકત રેડઝોન કે ક્નટેન્મેન્ટ સિવાય તમામ વિસ્તારોના કોરોના પ્રતિબંધ ઉઠાવી લેવાશે અને તંત્રને ફકત તેના જે કોરોના પોકેટ છે તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માટે નિર્ણય લેવાયો છે જેની રાજયમાં જે રીતે આગામી સમયમાં શૈક્ષણિક સત્ર છે તે પણ શરૂ કરવાની તૈયારીમાં છે.
ઉપરાંત રાજયમાં વ્યાપાર-ધંધા ઔદ્યોગીક એકમો ઠપ્પ છે તેને પુન: ધમધમતા કરવાની યોજના છે તથા ચોમાસામાં ખેડુતોને ખરીફ પાક વાવણીથી લઈને દિપાવલી પર નવા પાક બજારમાં આવે તે સમયે પણ તેઓને યોગ્ય માર્કેટ મળ તેની ચિંતા છે.
કોરોનાના ભરોસે ચૂંટણી જીતાશે નહી. રાજયમાં વર્ષના અંતિમ સમયમાં પંચાયત અને મહાપાલિકા ચૂંટણી છે. કદાચ તે બે-ત્રણ માસ વહીવટદારના શાસન સાથે પાછી ઠેલાય તો પણ તે જીતવા માટે નવેસરથી ગ્રાઉન્ડ તૈયાર કરવું પડશે. ઉપરાંત રાજયસભાની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે ત્રણ બેઠકો જીતવાનું જોખમ લીધું છે તે પણ પાર પાડવાનું છે અને તે બાદ વર્ષના અંતે કે આગામી વર્ષમાં યોજવી પડશે. આમ સરકારને હવે કોરોના કરતા ચૂંટણીની ચિંતા વધુ લાગી ગઈ છે અને તેથી હવે કોરોના સાથે જીવતા ખુદ સરકાર શીખશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે કોરોનાના કારણે રાજયની જીએસટી-વેટની આવકને મોટો ફટકો પડયો છે. ઉપરાંત જે રીતે કોરોનાનો જંગી ખર્ચ થયો છે અને સરકારને કેટલાક ‘પેકેજ’ જાહેર કરવા પડે તેમ છે તેથી હાલ તિજોરી તળીયા ઝાટક છે તેની ચિંતા પણ કરવાની છે. રાજય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ જુલાઈના પ્રારંભ કે મધ્યમાં વિધાનસભાનું એક ટુંકુ સત્ર બોલાવવા તૈયારી છે. જે સમયે રાજય સરકારની ચાર બેઠકોની ચૂંટણીઓ યોજાશે અને આ બેઠકમાં રાજયમાં હાલ મજુર સુધારા કાનૂન છે તેના સુધારાનો એક ખરડો રજુ કરવાની તૈયારી છે. ઉપરાંત રાજયમાં પેટ્રોલ-ડીઝલમાં ‘વેટ’ માં વધારો થઈ શકે છે.
રાજયમાં આવક વધારવા માટે જે મર્યાદીત વિકલ્પો છે તેમાં વેટ જ હવે હાથમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે રાજય સરકાર તમામ મોટા સમારોહો રદ કરીને વહીવટીતંત્રને ‘કામ’ કરવાની તક આપશે અને પ્રવેશોત્સવ વિ. યોજાશે નહી તેવા સંકેત છે. આજે જે કેબીનેટ બેઠક મળી હતી તે અંતિમ વિડીયો કોન્ફરન્સ બેઠક હતી. આગામી સપ્તાહની તમામ મંત્રીઓને ગાંધીનગરમાં તેમની ચેમ્બર સંભાળવા જણાવી દેવાયુ છે અને મુલાકાતીઓની મર્યાદા મુકાશે. ઉપરાંત રાજયમાં જૂનમાં બદલી બઢતીનો નવો રાઉન્ડ પણ આવશે.