વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 59 લાખ 5 હજાર 415 કેસ નોંધાયા છે. જેમાં 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 25.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ફ્રાન્સના વડાપ્રધાન એદુઆર્દ ફિલિપે ગુરુવારે કહ્યું હતું કે રાજધાની પેરિસ કોરોના સંક્રમણમાં રેડ ઝોનમાંથી બહાર આવી ગઈ છે.
દેશના અન્ય ભાગમાં પણ સંક્રમણ ઓછું થયું છે. દેશમાં લોકડાઉનમાં રાહત આપવાનો બીજો તબક્કો શરૂ થશે. તે મુજબ જૂનથી રેસ્ટોરાં, બાર અને કાફે ખોલવાની પરવાનગી અપાશે. બીચ અને પાર્કમાં પણ લોકો અવરજવર કરી શકશે. દક્ષિણ કોરિયામાં ગત સપ્તાહે ખોલવામાં આવેલી સ્કૂલોને ફરી બંધ કરાઈ છે. દેશમાં નાયબ શિક્ષણ મંત્રી પાર્ક બેગ બેઓમે કહ્યું કે સંક્રમણના નવા કેસ સામે આવતા નિર્ણય લેવાયો છે.
ઈટાલીમાં દોઢ લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ
ઈટાલીમાં કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ બનેલા દોઢ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઈટાલીમાં હાલ એક્ટિવ કેસ 47 હજાર 986 છે. અહીં કુલ પોઝિટિવ કેસ 2.32 લાખ નોંધાયા હતા. જેમાં 33 હજાર 142 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહામારીના કારણે બ્રિક્સ સંમેલન સ્થગિત
રશિયામાં એક દિવસમાં 8 હજાર 371 કેસ નોંધાયા છે. મહામારીના કારણે રશિયાએ બ્રિક્સ (બ્રાઝીલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા) સમૂહ અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ સ્થગિત કરી દીધી છે. આ બન્ને સમિત આ વર્ષે રશિયામાં યોજાનાર હતી. અમેરિકામાં અત્યાર સુધીમાં 17.68 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 3 હજાર 330 લોકોના મોત થયા છે. 4.99 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
બ્રાઝીલમાંથી અમેરિકાના નાગરિકો પરત ફરી શકશે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બ્રાઝીલ ઉપર લગાવાયેલા ટ્રાવેલ બેન કડક છે, પરંતુ બ્રાઝીલમાંથી પરત ફરવા ઈચ્છતા અમેરિકાના નાગરિકોને પરવાનગી અપાશે. આ પ્રતિબંધ ચીન ઉપર લગાવાયેલા પ્રતિબંધ જેવો છે. અમે એટલા બધા કડક નથી કે અમેરિકાના લોકોને એના દેશમાં આવવાની પરવાનગી ન આપીએ. ગત સપ્તાહમાં બ્રાઝીલથી આવનાર લોકોને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે પ્રતિબંધ લગાવાયો હતો.બ્રાઝીલમાં 4.39 લાખ કેસ નોંધાયા છે.
જેમા 26 હજાર 764 લોકોના મોત થયા છે.
મેક્સિકોમાં મોતનો આંકડો નવ હજારને પાર
મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં 447 લોકોના જીવ ગયા છે. આ સાથે મૃત્યુઆંક નવ હજાર 44 થયો છે. 24 કલાકમાં 3 હજાર 377 નવા કેસ સામે આવ્યા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 81 હજાર 400 થઈ ગઈ છે.