બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ચાલુ વર્ષે આઈપીએલની 13મી સીઝન યોજવા અંગે રાજ્યોના ક્રિકેટ એસોસિએશનોને એક મહત્વનો સંદેશ આપ્યો છે. બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આસીસી)ની બેઠકમાં ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે ટી20 વર્લ્ડ કપના આયોજન અંગે કોઈ નિષ્કર્ષ નહીં આવ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલ ખાલી સ્ટેડિયમમાં યોજવાની તમામ શક્યતાઓ તપાસી છે.
કોવિડ 19 મહામારીના ગાળામાં આઈપીએલ ટુર્નામેન્ટ રમાડવાની તમામ સંભાવનાઓ પર વિચાર કરાઈ રહ્યો છે અને ખાલી સ્ટેડિયમમાં પણ ટુર્નામેન્ટ યોજવાની વિચારણા છે તેમ બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીએ રાજ્યોને સંબોધતા એક પત્રમાં લખ્યું હતું. અગાઉ આઈપીએલ ટુર્નામેન્ટ માર્ચમાં અચોક્કસ મુદત માટે સ્થગિત કરાતા તેના આયોજન અંગે અસમંજસતા હતી પરંતુ હવે ગાંગુલીના પત્રથી આઈપીએલ ટુર્નામેન્ટ આગામી સમયમાં યોજાશે તેવા અણસાર જણાઈ રહ્યા છે.
બોર્ડ ચાલુ વર્ષે ટુર્નામેન્ટના આયોજન અંગેની તમામ શક્યતાઓ ચકાસી રહ્યું છે અને જો જરૂર પડશે તો ખાલી સ્ટેડિયમમાં પણ આયોજન કરાશે તેમ ગાંગુલીએ રાજ્યોના ક્રિકેટ એસોસિશનને લખેલા પત્રમાં જણાવ્યું છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ચાહકો, ફ્રેન્ચાઈઝ, ખેલાડીઓ, પ્રસારકો, સ્પોન્સર્સ સહિત તમામ ભાગીદારો ચાલુ વર્ષે આઈપીએલ ટુર્નામેન્ટના આયોજન અંગે આશાવાદ ધરાવે છે. તાજેતરમાં ભારત તેમજ અન્ય દેશોના ખેલાડીઓએ આઈપીએલ યોજવા અંગે રસ દાખવ્યો હતો. બોર્ડ પણ આશાવાદી છે અને ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે તેમ ગાંગુલીએ જણાવ્યું હતું.
બુધવારે આઈસીસીની મહત્વની બેઠકમાં ચાલુ વર્ષે આઈસીસી ટી20 વર્લ્ડ કપ યોજવાનો નિર્ણય આગામી મહિના સુધી ટળ્યો હતો. ચાલી રહેલી અટકળો મુજબ ટી20 વર્લ્ડ કપનું આયોજન આગામી વર્ષે થઈ શકે છે જેને પગલે ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં આઈપીએલ ટુર્નામેન્ટ યોજાવાની ઉજળી તક રહેલી છે.
ગાંગુલીએ રાજ્યોના એકમોને પત્રમાં જણાવ્યું હતું કે બોર્ડ સ્થાનિક ક્રિકેટ કાર્યક્રમ પર પણ વિચાર કરી રહ્યું છે જેને પગલે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી તેમજ વિજય હઝારે જેવી ટુર્નામેન્ટને સ્પર્ધાત્મક અને વાજબી બનાવી શકાય. આ માટે વિવિધ વિકલ્પો તેમજ ફોર્મેટ પર વિચારણા ચાલી રહી છે. બોર્ડ આગામી સપ્તાહમાં વધુ વિગતો જાહેર કરશે.
બીસીસીઆઈ તમામ રાજ્યોમાં ક્રિકેટને પુનઃ શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પર પણ કામ કરી રહ્યું છે. બોર્ડે કેટલાક રાજ્યો માટે ફંડ/ગ્રાન્ટની મંજૂરી આપવાના પ્રયાસો કર્યા છે. ફંડના વપરાશ અંગેના યોગ્ય દસ્તાવેજો તેમજ હિસાબો રજૂ કરનાર રાજ્યોની ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે. અન્ય એકમોને પણ દસ્તાવેજો જમા કરાવ્યા બાદ ફંડ પુરું પાડવામાં આવશે તેમ ગાંગુલીએ જણાવ્યું હતું.