અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1બી, એલ-1 સહિતના અન્ય એમ્પ્લોયમેન્ટ વીસા સસ્પેન્ડ કરવાનું વિચારી રહ્યાં છે. મીડિયા રીપોર્ટ્સ મુજબ કોરોના વાઇરસ મહામારીના કારણે અમેરિકામાં વધી રહેલી બેરોજગારીના પગલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ્પ્લોયમેન્ટ વીસા સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે.એચ-1બી જેવા વીસા સસ્પેન્ડ કરવામાં આવે તો તેની સૌથી વધુ વિપરિત અસર ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે તેવું મનાય છે. અમેરિકામાં નવું નાણાંકિય વર્ષ એક ઓક્ટોબરથી શરૂ થાય છે અને નવા નાણાંકિય વર્ષની શરૂઆતથી આ વીસા સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ મુજબ સસ્પેન્શન દૂર કરવામાં ન આવે ત્યાં સુધી નવા એચ-1બી વીસા ઇસ્યુ કરવામાં નહીં આવે. જો કે, જે લોકો અગાઉથી જ અમેરિકામાં કામ કરી રહ્યાં છે તેમને કોઇ અસર નહીં થાય.એચ-1બી વીસા એક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વીસા છે, જે અંતર્ગત અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી મળે છે. વિશેષ તો આ વીસા ટેકનિકલ નિષ્ણાતોને આપવામાં આવે છે. અમેરિકાની ટેકનોલોજિકલ કંપનીઓ દર વર્ષે હજારોની સંખ્યામાં ભારત અને ચીનના આઇટી પ્રોફેશનલ્સને નોકરી પર રાખે છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એચ-1બી વીસા રદ કરવાનો નિર્ણય લેશે તો હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર તેની વિપરિત અસર પડશે. કોરોનાને પગલે અગાઉથી જ અનેક એચ-1બી વીસાધારકો અમેરિકામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને કેટલાકને નોકરી ગુમાવવી પડી છે. જો કે, વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ જણાવ્યું હતું કે, એડિમિનિસ્ટ્રેશન વિવિધ પ્રસ્તાવો પર વિચારણા કરી રહ્યું છે. અમેરિકન કર્મચારીઓ અને બેરોજગારોના સંરક્ષણ માટે અમે અત્યારે કારકિર્દી નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા વ્યાપક વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.
આ ઉપરાંત એડમિનિસ્ટ્રેશન એચ-1બી વીસાની પ્રોસેસિંગ ફી અત્યારના 460 ડોલરથી વધારીને 20 હજાર ડોલર કરવા અથવા અન્ય પ્રકારના સરચાર્જ માટે વિચારી રહ્યું છે. કોવિડ-19 મહામારીના પગલે ટ્રમ્પે ગ્રીન કાર્ડ સહિતના તમામ ઇમિગ્રેશન રદ્ કરી દીધા છે. અમેરિકા દર વર્ષે 85 હજાર એચ-વન વીસા ઇસ્યુ કરે છે, જેમાં 65 હજાર વિદેશના કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે 20 હજાર વીસા વધુ અભ્યાસ માટે અમેરિકાની સંસ્થાઓમાં દાખલ થતા લોકોને આપવામાં આવે છે.
તેમાં 70 ટકાથી વધુ વીસા ભારતીયોને આપવામાં આવે છે અને ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની નોકરી આપે છે. અથવા અમેરિકામાં કાર્યરત ટીસીએસ, ઇન્ફોસીસ અને વિપ્રો જેવી ભારતીય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આ વીસા આપવામાં આવે છે. વોલ સ્ટ્રીટ જરનલના રીપોર્ટમાં જણાવ્યા મુજબ અત્યારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે બેરોજગારીનો મોટો પડકાર છે, જે દેશમાં રેકોર્ડ સ્તરે હોવાથી એડમિનિસ્ટ્રેશન દબાણ હેઠળ છે. વિરોધ પક્ષ પણ બેરોજગારીના મુદ્દે ટ્રમ્પને ભીંસમાં લઈ રહ્યો છે. આ સ્થિતિમાં ટ્રમ્પ કેટલાક કડક પગલા લેવા મજબૂર બને તેવું બની શકે છે.