Down trend financial graph on nCov corona virus microscope image ,concept of economic crisis effect by covid -19 .3d illustration

૨૦૨૦માં અમેરિકાની અર્થવ્યવસ્થા ૬.૫ ટકા સુધી ઘટી શકે છે અને આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં બેરોજગારીનો દર ૯.૩ ટકાની આસપાસ રહેશે એમ અમેરિકાની કેન્દ્રિય બેન્ક ફેડરલ રીઝર્વના નીતિ ઘડનારાઓએ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે, ફેડરલ રીઝર્વ બેન્ક આ મંદીમાંથી બહાર નીકળવા માટે ઘણા પ્રયાસ કરી રહી છે, જેની અસર વર્ષો સુધી જોઇ શકાશે.
કોરોનાના આ સંકટ દરમ્યાન પહેલી વખત ફેડરલ રીઝર્વના નીતિ ઘડનારાઓએ પહેલી વખત આર્થિક અનુમાનના આંકડા રજુ કર્યા છે. ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આંકડા સાથે દર્શાવ્યું કે, લોકડાઉન અને અન્ય નિયંત્રણોની અસર લાંબો સમય સુધી જોઇ શકાશે. લોકડાઉન બાદ વ્યવસાયિક ગતિવિધિ શરૂ થવાથી તેમાં તત્કાળ સુધારો જોવા મળે એમ નથી.
પોવેલે કહ્યું કે, કોરોનાને કારણે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બે કરોડ લોકો બેરોજગાર થયા છે. આ લોકોને ફ્રી નોકરી મળવામાં વર્ષો લાગી જશે. રોજગારીના ક્ષેત્રને પાટા પર લાવીને ગયા વર્ષના સ્તર પર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પોવેલે કહ્યું કે, અમે લેબર માર્કેટ અને અર્થ વ્યવસ્થામાં સુધારા માટે તમામ પગલાં ભરી રહ્યા છે અને સંપૂર્ણ સુધારો થાય ત્યાં સુધી પગલાં ભરવાનું ચાલુ રાખીશું.
ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં પણ કોઇ ફેરફર નહીં કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વની બેઠક બાદ પોવેલે જણાવ્યું હતું કે, તમામ ૧૭ નીતિ ઘડનારાઓએ વ્યાજદરમાં કોઇ ફેરફર નહીં કરવા સહમતિ વ્યક્ત કરી હતી, જયારે ૧૫ સભ્યોએ ૨૦૨૨માં પણ વ્યાજદરમાં કોઇ ફેરફર નહીં કરવાની તરફેણ કરી હતી.
અમેરિકાના સરકારી આંકડા મુજબ વર્તમાન નાણાંકિય વર્ષના પહેલા આઠ મહિનામાં બજેટ ખાધ ૧.૮૮ ટ્રીલિયન ડોલર છે. અમેરિકાના ઇતિહાસમાં બજેટ ખાધની બાબતમાં આ ખાધ અત્યાર સુધીની સૌથી મોટી ખાધ છે.