ગુજરાતમાં હાઈવોલ્ટેજ બની રહેલી રાજયસભા ચૂંટણી જેમાં ફરી એક વખત ધારાસભ્યોની ‘ખરીદી’ સહિતની રાજકીય યુક્તિઓ ફરી ગુજરાતમાં જોવા મળી હતી તેમાં ગઈકાલના પરિણામોએ ભાજપે ત્રણ બેઠકો જીતીને 2017નો હિસાબ પુરો કરી લીધો છે. ગઈકાલે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા મતદાન અને કેટલાક ‘ધારાસભ્ય’ની શંકાસ્પદ પ્રવૃતિનું ડેમેજ કંટ્રોલ કરીને ભાજપે તેના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીનને અત્યંત સરળ વિજયથી ઉપલાગૃહમાં મોકલ્યા હતા.
જયારે કોંગ્રેસના અગાઉથી જ નિશ્ચિત પરિણામમાં શક્તિસિંહ ગોહિલ પ્રથમ પસંદગીના પુરતા મત હાંસલ કરીને વિજેતા બન્યા હતા. જયારે ભરતસિંહ સોલંકી છેક પાંચમાં સ્થાને રહ્યા હતા અને તેઓને 30 મત જ મળતા પરાજય થયો હતો. 2017માં જે રીતે ધારાસભ્યોના સામુહીક રાજીનામા અને ક્રોસ વોટીંગ છતાં ભાજપને તેના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની બેઠક ગુમાવી હતી અને અહેમદ પટેલ રાજયસભામાં પહોંચવા સફળ રહ્યા હતા પણ 2020માં એ સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે જોવામાં ભાજપ સફળ થયો હતો.
રાજયસભાની ગુજરાતની ચૂંટણીમાં એ પ્રથમ બન્યું છે કે, રાજકીય પક્ષે તેની સભ્ય સંખ્યાના આધારે ઉભા રાખેલા બીજા ઉમેદવારને પરાજય સહન કરવો પડયો છે. ગઈકાલે યોજાયેલા મતદાનમાં 172 ધારાસભ્યોમાંથી 170 ધારાસભ્યોએ મત નાખ્યા હતા. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુ વસાવા અને તેના પુત્ર મહેશ વસાવાએ પુરા દિવસ ભાજપ અને કોંગ્રેસને દોડતા રાખીને અંતે મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને 170 મતો પર જ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.
પ્રાથમીક ગણીત અને રાજયસભાની વોટ ટ્રાન્સફરની પ્રક્રિયા મુજબ અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરી અમીન અને શક્તિસિંહ ગોહિલ, 36-36 મતો મેળવી ગયા હતા. ભાજપ સાથે 103 ધારાસભ્યો ઉપરાંત એનસીપીનો એક મત 104 મતો અને કોંગ્રેસ માટે 65 ઉપરાંત જીજ્ઞેશ મેવાણીના મતથી 66 મતો હતા જેમાં શક્તિસિંહ ગોહિલને 36 સિકયોર મત મળ્યા હતા અને બાકીના 30 મત ભરતસિંહને મળ્યા હતા. ગઈકાલે મતદાન સમયે બપોરે 2.30 કલાકે જ પરિણામ નિશ્ચિત થયું હતું અને કોંગ્રેસ પક્ષે ઉઠાવેલા કાનૂની વિવાદને નકારાયા બાદ હાથ ધરાયેલી મત ગણતરીમાં ચાર અંતીમ વિજેતા જાહેર થયા હતા.