ટાટા સ્ટીલનો યુકે-નેધરલેન્ડ્સ સ્ટીલ બિઝનેસ નાણાકીય સંકટમાં હોવાથી ટાટા સન્સ તેને લાંબા ગાળાનો નાણાકીય ટેકો આપે તેવી શક્યતા છે. યુકે-નેધરલેન્ડ્સ બિઝનેસ માટે યુકે સરકાર પાસેથી 50 કરોડ પાઉન્ડનું ફંડ માંગવામાં આવ્યું છે પરંતુ સરકાર તેને પાંચમા ભાગથી વધારે સહાય કરે તેમ લાગતું નથી.
યુકેના ચાન્સલર રિશી સુનાકે તાજેતરમાં જણાવ્યું હતું કે કરદાતાઓનાં નાણાંથી બેઇલ આઉટ માંગતી કંપનીઓ માટે તેઓ ‘અસામાન્ય રીતે ઊંચું’ ધોરણ નક્કી કરશે. એક અધિકારીએ જણાવ્યું કે, “અત્યારે ટકી રહેવા પર નહીં પરંતુ ટકાઉ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. યુકે સરકાર પાસેથી માંગવામાં આવેલી રકમથી થોડી તરલતા મળશે પરંતુ કાર્યક્ષમ અને નફાકારક બિઝનેસ સ્થાપવા માટે તે પૂરતું નથી. ટાટા સ્ટીલ યુકે અને નેધરલેન્ડ્સ ટકાઉ બિઝનેસ સ્થાપવા માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરે છે.”
ટાટા જૂથની લાંબા ગાળાની પ્રતિષ્ઠા અને યુકે સ્ટીલ ઉદ્યોગમાં તેની હાજરીને ધ્યાનમાં રાખીને ટાટા સન્સ ફંડની અછત પૂરી કરે તેવી શક્યતા છે.એક અધિકારીએ જણાવ્યું કે, “અમે હિલચાલ પર નજર રાખીએ છીએ. ટાટા સ્ટીલ ટ્રાન્સફોર્મેશન પ્રક્રિયામાં શક્ય એટલા પ્રયાસ કરી રહી છે અને યુકે સરકાર હવે બિઝનેસને કેટલો ટેકો આપો છે તેના પર નજર રહેશે.
પરિસ્થિતિ બદલાતી જાય તે રીતે નિર્ણય લેવા પડશે.”યુરોપની નોન-કરન્ટ એસેટ્સ, વિદેશી ખાણો અને ભારતમાં રોકાણના કારણે ટાટા સ્ટીલને ફટકો પડ્યો છે. ચાલુ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 3,100 કરોડથી વધારે અસામાન્ય ખોટ નોંધાવી છે. ટાટા સ્ટીલે જણાવ્યું કે તેની યુકે કામગીરીના ટકાઉપણા અંગેના સવાલ અને તરલતાની જરૂરિયાતના કારણે અસર થશે. તેણે એમ પણ કહ્યું કે યુરોપિયન યુનિયન પાસે ભવિષ્યમાં કામગીરી ચાલુ રાખવા માટે પૂરતા પ્રમાણમાં સંસાધનો છે.