Getty Images)

ટેલિકોમ વિભાગને બાકી લેણાં ચૂકવવા માટે હવાતિયાં મારી રહેલી વોડાફોન આઇડિયા ચોથા ક્વાર્ટરમાં જંગી ખોટ દર્શાવી છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કોઈ પણ ભારતીય કંપનીએ નોંધાવેલી સૌથી વધુ ₹73,878 કરોડની ચોખ્ખી ખોટ કરી છે.

વોડાફોન આઇડિયાએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેચ્યુટરી લેણાં માટેની જોગવાઈ કર્યા પછી નિરાશાજનક પરિણામ જાહેર કર્યા છે. કંપનીને ₹51,400 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. વોડાફોન આઇડિયાએ જણાવ્યું હતું કે, “આટલી મોટી નાણાકીય જવાબદારીને કારણે કંપનીની બિઝનેસ ચાલુ રાખવાની ક્ષમતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.”
વોડાફોન આઇડિયાએ ચોથા ક્વાર્ટરમાં ₹11,643.5 કરોડની ચોખ્ખી ખોટ કરી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹4,881.9 કરોડ અને ઓક્ટોબર-ડિસેમ્બર (2019) ક્વાર્ટરમાં ₹6,438.8 કરોડ હતી.

કંપનીનો શેર BSE પર 4.3 ટકા ઘટીને ₹10.16ના મથાળે બંધ રહ્યો હતો.ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)ના અંદાજ પ્રમાણે કંપનીએ 2016-’17 સુધીમાં એડ્‌જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) પેટે ₹58,254 ચૂકવવાના બાકી છે. જોકે, કંપનીએ કેટલીક ગણતરીની ભૂલોનું એડ્જસ્ટમેન્ટ કર્યા પછી આ આંકડો ₹46,000 કરોડ હોવાનું જણાવ્યું છે. ઉપરાંત, કંપની દ્વારા અગાઉ કરવામાં આવેલી ચુકવણીને DoTની માંગમાં ધ્યાનમાં લેવામાં આવી નથી.

વોડાફોન આઇડિયાએ કુલ લેણાંમાંથી ₹6,854.4 કરોડની ચુકવણી કરી છે. કંપનીએ AGR સંબંધી જવાબદારી પેટે ₹1,783.6 કરોડ અને વન-ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જિસ પેટે ₹3,887 કરોડનું નુકસાન વેઠ્યું છે. માર્ચ 2019માં પૂરા થયેલા ક્વાર્ટરમાં બંનેની ગણતરી અસાધારણ ખર્ચ તરીકે કરવામાં આવી હતી. 31 માર્ચ 2020 સુધી કંપનીનું કુલ દેવું (લીઝની જવાબદારી સિવાય) ₹1,15,000 કરોડ હતું. જેમાં સરકારના ડેફર્ડ સ્પેક્ટ્રમ પેમેન્ટના ₹87,650 કરોડનાં લેણાંનો પણ સમાવેશ થાય છે.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કાર્યકારી આવક ₹11,754.2 કરોડ રહી છે. નાણાકીય વર્ષ 2019-’20માં કંપનીની ખોટ વધીને ₹73,878.1 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષે ₹14,603.9 કરોડ હતી. કંપનીએ જણાવ્યું હતું કે, 2019-’20ના નાણાકીય વર્ષનું પરિણામ અગાઉના વર્ષ સાથે સરખાવી શકાય તેમ નથી. કારણ કે વોડાફોન આઇડિયા અને આઇડિયા સેલ્યુલરનું મર્જર ઓગસ્ટ 2018થી અમલી બન્યું હતું. વોડાફોન આઇડિયાની સમગ્ર વર્ષની કાર્યકારી આવક ₹44,957.5 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹37,092.5 કરોડ હતી.