દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો દસ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 34884 કેસ નોંધાતા કુલ કેસ 1038716 થઈ ગયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.93 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17994 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 653751 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 671 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 26273 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 358692 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 292589 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 11452 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 160907 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2315 લોકો કાળનો કોળિયો બની ગયા છે.
ત્યારબાદ દિલ્હીમાં 120107 કેસ નોંધાયા છે જ્યારે 3571 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 55115 કેસ નોંધાયા છે જ્યારે 1147 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 46518 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2108 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 14102176 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 602598 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7880116 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5619462 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.