અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા ડેમોક્રેટ કેન્ડિડેટ જો બિડેન વચ્ચે નિવેદનબાજીઓ વધી ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે, બિડેન એ લાયક નથી કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે અથવા દેશની કમાન સંભાળી શકે.
ટ્રમ્પે બિડેનને માનસિક રીતે થાકેલા માણસ કહ્યા હતા. તેના થોડા દિવસ પહેલા બાઈડને કહ્યું હતું કે, ટ્રમ્પની નીતિઓનું નુકસાન દેશ ભોગવી રહ્યો છે. આ ડેમોક્રેટ ઉમેદવારે કોરોના વાઈરસને અટકાવવામાં બેદરકારી દાખવવા માટે ટ્રમ્પની ટીકા પણ કરી હતી. ત્યારપછી જ ટ્રમ્પ બિડેન પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે.
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મહામારીના કારણે પબ્લિક રેલી બંધ થઈ ચુકી છે. હવે સોશિયલ મીડિયા અથવા ઈન્ટરવ્યૂ દ્વારા નિવેદનબાજી થઈ રહી છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને એક લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો હતો.
જેમાં કહ્યું હતું કે, બિડેન મારી ટિકા કરે છે, જ્યારે તેમને આવું કરવાનો હક નથી. પહેલા તે પોતાની અંદર એક ડોકિયું કરે. તે એ લાયક નથી કે દેશની કમાન સંભાળી શકે અથવા રાષ્ટ્રપતિ બની શકે. માનસિક રીતે તે થાકેલી વ્યક્તિ છે. જો આવી વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ બનશે તો તે દેશને બરબાદ કરી દેશે.
બાઈડને હમણાં જ આપેલા એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે એમની વાતો જરા ધ્યાનથી સાંભળો. તે શું કહે છે. શું આપણી પર લગાવાઈ રહેલા ટેક્સ ત્રણ ગણા વધારી શકે છે. અથવા શું આપણે પોલીસના ફંડિંગને અટકાવી શકીએ છીએ. તેઓ કહે છે કે દેશમાં ધર્મનું કોઈ મહત્વ નથી રહ્યું. શું લોકો આને સ્વીકારશે.
ટ્રમ્પને એક સવાલ સર્વે વિશે પણ પુછવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બિડેન ટ્રમ્પ કરતા થોડા આગળ નીકળી ગયા છે. આ સવાલ અંગે ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા. તેમણે કહ્યું કે, જે સર્વેની વાત કરવામાં આવી રહી છે, તે ખોટો છે. વ્હાઈટ હાઉસે પણ સર્વે કરાવ્યો છે. જેમાં ઘણા લોકો આગળ છે. તમામ મહત્વના રાજ્યોમાં અમે આગળ છીએ. એટલા માટે આ સર્વે પર ધ્યાન ન આપવું જોઈએ. આ બધુ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે, તમે જે પ્રકારના સવાલ મને પુછી રહ્યા છો. અથવા જે પ્રકારે ઈન્ટરવ્યૂ લઈ રહ્યો છો. એવી રીતે ક્યારેક બિડેનનું પણ કરો. એ થોડીક જ વારમાં મમ્મી મમ્મી કરીને બૂમો પાડવા લાગશે. એ કહેશે કે મને ઘરે લઈ જાવ. સવાલ એ છે કે શું બિડેન એટલા સક્ષમ છે કે દેશને ચલાવી શકે. જો નહીં તો પછી લોકોએ વિચારવું પડશે.