સ્પેસ એક્સનું ડ્રૈગન ક્રૂ કેપ્સ્યુલ રવિવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 2:48 કલાકે સફળતાપૂર્વક ધરતી પર પાછું ફર્યું છે. આ કેપ્સ્યુલ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાંથી શનિવારે સાંજે 7:54 કલાકે પૃથ્વી તરફ રવાના થઈ હતી. જાણવા મળ્યા મુજબ ફ્લોરિડાના કિનારાથી થોડા કિમી દૂર આ કેપ્સ્યુલે સમુદ્રમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.
ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચી ગયેલી સ્પેસએક્સ અને નાસાની ટીમે કેપ્સ્યુલને સમુદ્રમાંથી બહાર કાઢી હતી. તેના દ્વારા અંતરીક્ષમાં ગયેલા નાસાના બે અંતરીક્ષ યાત્રી ધરતી પર પરત આવ્યા છે. અંતરીક્ષ યાત્રી બોબ બેહ્નકેન (49) અને ડગ્લસ હર્લી (53)ની તપાસ કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ જણાયા છે. ધરતી પર ઉતરાણના એક કલાક કરતા પણ વધુ સમય બાદ બંનેને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાએ 45 વર્ષમાં પ્રથમ વખત અંતરીક્ષ યાત્રીઓને સમુદ્રમાં સીધા ઉતાર્યા છે.
ફ્લોરિડાના તટીય ક્ષેત્રોમાં ઈસાયા વાવાઝોડાનું જોખમ હોવા છતા તેમણે પોતાનું મિશન ચાલુ રાખ્યું હતું. યાનના ઉતરાણ માટે એક કે બે નહીં પણ સાત અલગ અલગ જગ્યા નક્કી કરવામાં આવી હતી પરંતુ તે મેક્સિકોની ખાડીમાં ઉતરાણ કરશે તેની સંભાવના વધારે હતી.
વર્ષ 2011 બાદ અમેરિકાએ પ્રથમ વખત કોઈ માનવ મિશન અંતરીક્ષમાં મોકલ્યું હતું. નાસાએ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી 30 મેના રોજ આ મિશન રવાના કર્યું હતું. અંતરીક્ષ યાત્રીઓ 31મી મેના રોજથી જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત હતા. તે સમયે તેમણે અંતરીક્ષમાં ફરવા સિવાય પણ અનેક પ્રયોગ કર્યા છે. નાસાએ અંતરીક્ષ યાત્રીઓને ધરતી પર પરત લાવવાની આ સંપૂર્ણ પ્રક્રિયાને લાઈવ કવરેજ આપ્યું હતું.