માલીમાં મંગળવારે લશ્કરી બળવો થયો હતો અને સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરો ઘાલીને પ્રમુખ ઇબ્રાહિમ બોબકર પાસે બંદુકની અણીએ રાજીનામું લખાવી લીધું હતું. વડા પ્રધાનની પણ ધરપકડ કરાઇ હતી. પ્રમુખ અને વડા પ્રધાન બંનેને સૈનિકો કોઇ અજાણ્યા સ્થળે લઇ ગયા હતા. લશ્કરી બળવાના સમાચાર વહેતા થતાં જ હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા અને સરકાર વિરોધી દેખાવો કર્યા હતા. સાથોસાથ આ સરકાર ઊથલી પડી એની ઊજવણી પણ લોકો કરતા દેખાયા હતા.
દેશના સંરક્ષણ ખાતાએ લશ્કરી બળવાના સમાચારને સમર્થન આપ્યું હતું. જો કે પ્રમુખ અને વડા પ્રધાન ઉપરાંત કેટલા સરકારી અધિકારીઓની અટકાયત કરાઇ હતી એની વિગતો જાણવા મળી નહોતી એમ બીબીસીના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
લશ્કરી બળવામાં કેટલા સૈનિકો અને અધિકારીઓ સામેલ હતા એની વિગતો પણ મળી નહોતી.લશ્કરી પ્રવક્તાએ દેશના પાટનગરથી પંદર કિલોમીટર કટ્ટી વિસ્તારમાં આવેલા લશ્કરી વડા મથકે ગોળીબાર થયો હોવાના સમચારને સમર્થન આપ્યું હતું પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
અગાઉ 2012માં લશ્કરી બળવો થયો હતો અને ત્યારના રાષ્ટ્રપ્રમુખ અમાદૌ તૌમાની તૌરેએ રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. આઠ વર્ષ પછી બીજીવાર બળવો થયો હતો જેમાં બંદુકની અણીએ રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ બોબકર પાસેથી રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. વડા પ્રધાન વિશે કોઇ વિગતો જાણવા મળી નહોતી.