Getty Images)

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં રેકોર્ડ ઉંચા મથાળેથી સોના- ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવાયા પછી આજે સૂસ્તાઈને ખંખેરી બજારમાં નવેસરથી ઝડપી તેજીના પગરણ થતાં ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.1000 ઉછળ્યા હતા સામે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો હતો.

વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઓચીંતા વેગથી ઉછળી ઔંશદીઠ ફરી 2000 ડોલરની સપાટી વટાવી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના વિવિધ શહેરોના ઝવેરીબજારોમાં આજે ઓચીંતી તેજી જોવા મળી હતી.

અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી 10 ગ્રાના 99.50ના રૂ.54800 તથા 99.90ના રૂ.55000ને આંબી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.500 વધી રૂ.66500 બોલાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 1952થી 1953 ડોલરથી વેગથી ઉછળી જોતજોતામાં 2000 ડોલર કુદાવી ઉંચામાં ભાવ એક તબક્કે 2014થી 2015 ડોલર સુધી પહોંચી ગયા હતા.

ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધતાં તથા વિવિધ દેશોમાં સ્ટીમ્યુલ્સના પેકેજો વચ્ચે વૈશ્વિક સ્તરે કરન્સી માર્કેટમાં પુરવઠો વધતાં ફુગાવો ઉંચો ગયો છે જ્યારે સામે વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ગબડી બે વર્ષના તળીયે ઉતરી ગયો હતો. ડોલર નીચો ઉતરતાં વિશ્વબજારમાં આજે સોનામાં નીચા મથાળે નવેસરથી ફંડો તથા મની મેનેજરો દાખલ થયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંશના 26.95 ડોલરથી ઉછળી ઉંચામાં 28 ડોલર વટાવી 28.40થી 28.45 ડોલર સુધી પહોંચ્યા હતા. અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કલકત્તા સહીત દેશના વિવિધ શહેરોમાં આજે ઝવેરીબજારોમાં તેજીનો ગરમાટો વરસાદી માહોલમાં જોવા મળ્યો હતો.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં તથા ઘરઆંગણે આજે શેરબજારો ઉછળતાં તેના પગલે મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર ઘટયો હતો સામે રૂપિયો ઉંચકાયો હતો. જોકે વિશ્વબજારમાં મોડી સાંજે મળેલા સમાચાર મુજબ સોનાના ભાવ વધ્યા મથાળેથી ફરી નીચા ઉતર્યાના વાવડ મળ્યા હતા. આના પગલે ઘરઆંગણાના ઝવેરીબજારોમાં બુધવારે (આજે) સોના- ચાંદીના ભાવમાં ઉંચા મથાળેથી ફરી પીછેહટ જોવા મળશે એવી શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

વિશ્વબજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઔંશના 2015 ડોલરથી ગબડી ફરી 2000 ડોલરની અંદર ઉતરી 1990થી 1995 ડોલર ચાલી રહ્યાના નિર્દેશો મળ્યા હતા. સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ પણ ઔંશના 28.40થી 28.45 ડોલરથી ફરી ઘટી મોડી સાંજે 27.60થી 27.65 ડોલર હ્યા હતા.

વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાં હોમ કન્સ્ટ્રકશનના આજે સાંજે બહાર પડેલા આંકડાઓ 2016 પછીના શ્રેષ્ઠ આંકડાઓ ગણાયા હતા અને તેના પગલે વિશ્વબજારમાં મોડી સાંજે સોનામાં ઉંચા મથાળે ફરી ફંડવાળા વેચવા નિકળ્યા હતા. સોના પાછળ ચાંદી પણ ઉંચેથી નીચી આવી હતી. પ્લેટીનમના ભાવ 957 ડોલરથી વધી 979 થઈ 951 ડોલર તથા પેલેડીયમના ભાવ 2159 ડોલરથી વધી 2200 ડોલર થઈ મોડી સાંજે 2172 ડોલર બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા.