કમલા હેરિસના પ્રથમ અશ્વેત અને ઇન્ડિયન અમેરિકન મહિલા તરીકે વાઇસ પ્રેસિડેન્ટપદના દાવેદાર બનવાનો ઇતિહાસ રચાયા પછી એક વધુ ભારતીય અમેરિકન મહિલાએ પોતાની મહત્ત્વપૂર્ણ ઉપસ્થિતિ દ્વારા લોકોમાં ચર્ચા જગાવી છે.
રીપબ્લિકન નેશનલ કન્વેન્શનની શરૂઆતમાં યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનાં ભૂતપૂર્વ એમ્બેસેડર અને ઇન્ડિયન અમેરિકન સ્ટાર નિક્કી હેલીએ મોરચો સંભાળ્યો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી એક તક આપવા અમેરિકન્સને અનુરોધ કર્યો હતો.
સોમવારે રાત્રે હેલીએ પ્રેસિડેન્ટપદના ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનની યોજનાઓ અંગે વાત કરી તેમને ભવિષ્યના ડાબેરી નેતા ગણાવ્યા હતા. તેઓ સાઉથ કેરોલાઈનાના ગવર્નર તરીકે પણ બે ટર્મ રહી ચૂક્યા છે.
તેમણે ટ્રમ્પને રેસિસ્ટ દર્શાવનારા ટીકાકારોને પણ જવાબ આપતા કહ્યું હતું કે, અમેરિકા રેસિસ્ટ દેશ નથી. મોટા ભાગના ડેમોક્રેટ્સ માટે હવે અમેરિકાને રેસિસ્ટ કહેવું એક ફેશન બની ગઈ છે, પણ એ વાત સાચી નથી. હું ઇન્ડિયન ઇમિગ્રન્ટની દીકરી છું અને મને તેના પર ગર્વ છે. મારા માતા-પિતા ક્યારેય તિરસ્કૃત થયા નથી.
મારા પિતા પાઘડી પહેરતા હતા અને માતા સાડી પહેરતા હતા. હું અશ્વેત અને શ્વેત દુનિયામાં એક બ્રાઉન છોકરી હતી. અમેરિકા એક વાર્તા છે, જેનું કામ પ્રગતિ પર ચાલવાનું છે. સાઉથ કેરોલાઈનામાં જન્મેલા નિક્કી હેલીનું મૂળ નામ નિમ્રતા રંધાવા હતું. તેમના પિતા રણજીત સિંહ રંધાવા અને માતા રાજ કૌર રંધાવા પંજાબના અમૃતસરથી અમેરિકા આવ્યા હતા. કન્વેન્શનમાં રીપબ્લિકન્સે જણાવ્યું કે, ટ્રમ્પ નહીં જીતે તો તે અમેરિકાના ભવિષ્ય માટે યોગ્ય નહીં હોય. ટ્રમ્પને ધાર્મિક સ્વતંત્રતાના રક્ષક ગણાવવામાં આવ્યા હતા.
હેલી સિવાય કન્વેન્શનમાં એકમાત્ર રીપબ્લિકન સેનેટર ટિમ સ્કોટે પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. આ ક્ન્વેન્શનમાં અમેરિકાના રાજકારણમાં ઇન્ડિયન અમેરિકન્સના સતત વધી રહેલા પ્રભાવની પણ વાત કરવામાં આવી હતી.
નિક્કી હેલી અમેરિકન કેબિનેટમાં કામ કરનાર પ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા હતા. 2010માં તેઓ સાઉથ કેરોલાઈનાના ગવર્નરપદે ચૂંટાયેલા પ્રથમ મહિલા અને અશ્વેત પણ હતા.
હવે એવી પણ અટકળો વહેતી થઇ છે કે, 2024ની પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં તે ઉમેદવાર હોઈ શકે છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં જણાયું છે કે, તેઓ 2024ની ચૂંટણીઓમાં 11 ટકા સમર્થન સાથે રીપબ્લિકન પાર્ટીનાં ત્રીજા સૌથી વધુ પસંદગીના ઉમેદવાર રહેશે. જેમાં પ્રથમ સ્થાને વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ અને બીજા ક્રમે પ્રેસિડેન્ટના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર રહેશે.
48 વર્ષના નિક્કી રીપબ્લિકન કન્વેન્શનના વક્તાઓની યાદીમાં એકમાત્ર ઈન્ડિયન-અમેરિકન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના માતા-પિતા ભેદભાવનો ભોગ બન્યા હતા, ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડી હતી, છતાં તેમણે ક્યારેય ફરિયાદ કરી નથી કે, ધિક્કારની લાગણી પોતાના મનમાં પેદા થવા દીધી નથી.