(Getty Images)

ભારતની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે અમેરિકા ખાતેની લો ફર્મે ક્લાસ એક્શન સ્યુટમાં મૂકેલા આરોપોને નકારી કાઢ્યા છે. અમેરિકાની લો ફર્મ HDFC બેન્ક પર ખોટા દાવો કરવાનો આરોપ મૂકીને વળતરની માગણી કરી છે. બેન્કે આ કાનૂની દાવામાં તેનો બચાવ કરવાની યોજના બનાવી છે. બેન્ક આગામી વર્ષના પ્રારંભમાં તેનો જવાબ આપશે.

રોસેન લિગલે ગયા સપ્તાહે HDFC બેન્ક સામે ક્લાસ એક્શન સ્યુટ દાખલ કર્યો હતો. આ લો ફર્મ આરોપ મૂક્યો હતો કે HDFC બેન્કે કથિત ખોટી અને ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી હતી અને તેનાથી રોકાણકારોને નુકસાન થયું હતું. લો ફર્મ ખાસ કરીને બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પૂરી, તેમના નિયુક્ત અનુગામી શશીધર જગદિશન અને કંપની સેક્રેટરી સંતોષ હલ્દાંકરના પ્રતિવાદી તરીકે નામ આપ્યા છે.

બેન્કે જણાવ્યું હતું કે જુલાઈમાં તેના ADR (અમેરિકન ડિપોઝિટરી રિસિટ)ના ભાવમાં હંગામી ઘટાડાને કારણે થયેલા નુકસાનને કારણે તેના સિક્યોરિટી હોલ્ડર્સે આ કાનૂની દાવો દાખલ કર્યો છે. ફરિયાદમાં કેટલું નુકસાન થયુ તેનો ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી, પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે સેંકડો રોકાણકારોને નુકસાન થયું હશે.