અમેરિકામાં ચૂંટણીના પરિણામ અંગે અનિશ્ચિતતા જળવાઈ રહેતા ન્યૂ યોર્ક, ડેનવેર અને મિનેપોલિસ સહિત દેશના વિવિધ ભાગોમાં વિરોધપ્રદર્શન ચાલુ થયા હતા. મતની ગણતરી થઈ રહી નથી તેવી અફવાને પગલે ટ્રમ્પના આશરે 200 સમર્થકો એરિઝોનામાં ફિનિક્સની ઇલેક્શન ઓફિસની બહાર એકઠા થયા હતા. કેટલાંક સમર્થકો પાસે રાઇફલ અને હેન્ડગન હતી.
મિશગનમાં મતગણતરીમાં ગોટાળા થઈ રહ્યાં તેવી અફવાને પગલે ડેટ્રોઇટમાં પોલીસે આશરે 30 લોકોને અટકાયતમાં લીધા હતા. મોટાભાગના લોકો રિપબ્લિકન પાર્ટીના સમર્થકો હતો.
ટ્રમ્પ વિરોધી દેખાવકારોએ માગણી કરી હતી કે મતગણતરી ચાલુ રાખવી જોઇએ. પોલીસે પોર્ટલેન્ડમાં 11 લોકોની ધરપકડ કરીને હથિયારો કબજે લીધા હતા. પોલીસે ન્યૂ યોર્ક, ડેનવેર અને મિનેપોલિસમાં કેટલાંક દેખાવકારોની ધરપકડ કરી હતી. બુધવાર અને શનિવારની વચ્ચે આશરે 100 કાર્યક્રમોનું આયોજન થયું છે.