અમેરિકાની ચૂંટમીમાં ગેરરીતિનો આક્ષેપ કરીને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કેટલાંક સમર્થકોના હાથમાં ગન પણ હતી. જોકે આ વિરોધી દેખાવો મહદઅંશે શાંતિપૂર્ણ રહ્યાં હતા. ટ્રમ્પ અને બિડેન વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે તેવા એરિઝોના રાજ્યમાં મેરિકોપ કાઉન્ટીના ઇલેક્શન ડિપાર્ટમેન્ટની બહાર બંને ઉમેદવારોના સમર્થક વચ્ચે થોડા સમય માટે અથડામણ થઈ હતી.
મતગણતરી ચાલુ હતી ત્યારે હથિયારો સાથે લોકોનું ટોળું ભેગું થયું હતું, જોકે કોઇ હિંસા થઈ ન હતી. પેન્સિલવેનિયા કન્વેન્વન સેન્ટર પર હુમલાના ષડયંત્રની તપાસના ભાગરૂપે પોલીસે ફિલાડેલ્ફિયામાં એક વ્યક્તિની ધરપકડ કરીને હથિયાર જપ્ત કર્યું હતું. ફિલાડેલ્ફિયામાં ટ્રમ્પ અને બિડેનના સમર્થકો વચ્ચે પોલીસે મોટા અંતરાય ગોઠવ્યા હતા. ન્યૂ યોર્ક અને વોશિંગ્ટન તથા વિસ્કોન્સિલ, લાસ વેગાસ, નેવાડા, ડેટ્રોઇટ, મિશિગન અને એન્ટલાન્ટામાં પણ બંને પક્ષોના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
ફેસબુકે હિંસક નિવેદનો સાથેની પોસ્ટને દૂર કરી હતી. બીજી મીડિયા કંપનીઓએ પણ અફવા અને ખોટા દાવા પર લગામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. ફિનિક્સમાં ટ્રમ્પ સમર્થકોએ એક વ્યક્તિનો પીછો કર્યો હતો, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરી હતી.