અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં જો બિડેન જીતની નજીક પહોંચતા તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સિક્રેટ સર્વિસે બિડેનના વતન વિલ્મિંગ્ટનમાં વધારાના એજન્ટ મોકલ્યા હોવાના અહેવાલ છે.
વોશિંગ્ટન પોસ્ટ અને સીએનએન બંનેએ અહેવાલ આપ્યો હતો કે બિડેનના વતનમાં વધુ એજન્ટ મોકલવામાં આવ્યાં છે. બિડેન વધુ એક દિવસ માટે વિલ્મિંગ્ટન કન્વેન્શન સેન્ટરનો ઉપયોગ ચાલુ રાખવાની યોજના ધરાવતા હોવાનું તેમની ટીમે જણાવ્યા બાદ આ હિલચાલ કરવામાં આવી હતી. જોકે સિક્રેટ સર્વિસના પ્રવતાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. બિડેનના પ્રતિનિધિએ પણ આ અંગે કોઇ માહિતી આપી ન હતી.