Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

મંત્રી તરીકેના નીતિ નિયમોનો ભંગ કર્યો હોવાનું કેબિનેટ ઑફિસની ઇન્ક્વાયરીમાં બહાર આવ્યું હોવા છતાય વડાપ્રધાન બોરિસ જ્હોન્સને  હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ટેકો આપ્યો છે. પ્રિતિ પટેલે સિવિલ સ્ટાફ સાથેના તેમના દુર્વ્યવહાર કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. સામાન્ય રીતે મંત્રીઓ આચારસંહિતાનો ભંગ કરે તો રાજીનામું આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આખરે વડા પ્રધાન પર તે નિર્ભર કરે છે કે સલાહકારના નિષ્કર્ષ પર કોઈ પગલાં લેવા કે કેમ.

આ વર્ષની શરૂઆતમાં પ્રથમ વખત આક્ષેપો બહાર આવ્યા ત્યારથી જ જ્હોન્સને તેમને સતત સમર્થન આપ્યું છે અને જાહેર કર્યું હતું કે તેમને 48 વર્ષીય ભારતીય મૂળના મિનીસ્ટર પ્રીતિ પટેલ પર સંપૂર્ણ વિશ્વાસ છે, જેઓ હોમ સેક્રેટરી તરીકે યુકેનું સર્વોચ્ચ રાજકીય પદ ધરાવે છે.

મિનીસ્ટરીયલ કોડના સ્વતંત્ર સલાહકાર સર એલેક્સ એલને આજે સવારે રાજીનામું આપ્યું હતું. સર એલેક્સ એવા નિષ્કર્ષ કાઢ્યો હતો કે શ્રીમતી પટેલે ‘પ્રધાનમંડળ દ્વારા પાલન કરવા જોઇતા જરૂરી ઉચ્ચ ધોરણોને સતત સ્વીકાર્યા ન હતા’. પરંતુ તેમના અહેવાલમાં વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સની ભારે આલોચના પણ શામેલ છે જેમની સાથે પ્રીતિ પટેલે ત્રણ વિભાગોમાં કામ કર્યું હતું. સર એલને જણાવ્યું હતું કે “હું જાણું છું કે મિનીસ્ટરિયલ કોડના ભંગ અંગે નિર્ણય લેવાનું કામ વડા પ્રધાનનું છે. પરંતુ મને લાગે છે કે તે યોગ્ય છે કે મારે હવે કોડ માટેના વડા પ્રધાનના સ્વતંત્ર સલાહકાર તરીકેના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.” લેબરના કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘જો હું વડા પ્રધાન હોત તો હોમ સેક્રેટરીને તેમની નોકરીથી દૂર કરવામાં આવ્યાં હોત’.

સર એલેક્સ એલને રીપોર્ટમાં જણાવ્યું હતું કે “મારી સલાહ એ છે કે હોમ સેક્રેટરીએ તેમના સિવિલ સર્વન્ટ્સ સાથે વિચારણા અને આદર સાથે વર્તવાના મિનીસ્ટરીયલ કોડના જરૂરી ઉચ્ચ ધોરણોને સતત સ્વીકાર્યા નથી. તેમના વર્તનની જે તે વ્યક્તિઓ પર થતી અસરને જોતા તે બુલીઇંગ તરીકે વર્ણવી શકાય છે. તે હદ સુધી, તેમની વર્તણૂક અજાણતાં પણ થઇ હોય તો પણ તે મિનીસ્ટરિયલ કોડનો ભંગ છે. આ નિષ્કર્ષ સંદર્ભમાં જોવાની જરૂર છે. એવા કોઈ પુરાવા નથી કે તેમના વર્તનની અસરથી તેઓ વાકેફ હતા, અને તે સમયે તેમને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહતી.”

કેબિનેટ ઑફિસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુકેના વડા પ્રધાનને તેમના હોમ સેક્રેટરી ઉપર “સંપૂર્ણ વિશ્વાસ” છે અને “આ બાબત હવે બંધ થાય છે. તેમને [જ્હોન્સન] ખાતરી આપવામાં આવી છે કે હોમ સેક્રેટરીએ જેમની સાથે કામ કરે છે તેમને અજાણતાં પરેશાન કરવા બદલ દિલગીર છે. તેમને એવી ખાતરી પણ આપવામાં આવી છે કે હોમ ઑફિસમાં સંબંધો, વ્યવહાર અને સંસ્કૃતિમાં ઘણો સુધારો થયો છે.

સ્ટાફને ધમકાવવાના આરોપો વચ્ચે યુકે હોમ ઓફિસના સૌથી વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સર ફિલિપ રત્નમના નાટકીય રાજીનામા બાદ પટેલ વિરુદ્ધ બુલીઇંગના આરોપોની તપાસ ગત માર્ચ માસમાં શરૂ કરવામાં આવી હતી. હોમ ઓફિસના પર્મેનન્ટ સેક્રેટરી રત્નમના રાજીનામુ એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલનો વિષય છે કેમ કે રત્નમે સરકાર સામે કન્સટ્રક્ટીવ ડિસમીસલનો દાવો કર્યો છે જેની સુનાવણી આગામી સપ્ટેમ્બરમાં થનાર છે.

અગાઉ, ગુરૂવારે રાત્રે કેબિનેટ ઓફિસના તપાસ અહેવાલના તારણો બહાર આવ્યા પછી, શ્રીમતી પટેલના ઘણા સાથીદારો મિનીસ્ટર મેટ હેનકોક, લિઝ ટ્રસ તેમના સમર્થનમાં બહાર આવ્યા હતા અને તેમને કર્મઠ, મહેનતુ અને દયાળુ મિનીસ્ટર ગણાવ્યા હતા.