મોડર્ના ઇન્ક તેની કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે સોમવારે અમેરિકા અને યુરોપના સત્તાવાળાની મંજૂરી માગશે. મોટા પાયા પરના પરીક્ષણમાં વેક્સિન 94.1 ટકા અસરકારક હોવાનું અને કોઇ ગંભીર આડઅસર ન થતી હોવાના તારણ બાદ કંપનીએ નિર્ણય કર્યો હતો, એમ કંપનીએ જણાવ્યું હતું.
મોડર્ના એ જણાવ્યું હતું કે તમામ વય, રેસ, અને જેન્ડરમાં તેની વેક્સિનની અસરકારકતામાં સાતત્ય છે અને તે બિમારીને ગંભીર થતી અટકાવવામાં 100 ટકા સફળતાનો દર ધરાવે છે. અગાઉ ફાઇઝરની વેક્સિન પણ 95 ટકા અસરકારક પુરવાર થઈ છે અને કંપનીએ અમેરિકા અને યુરોપમાં ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી માગી છે.
મોડર્ના અમેરિકામાં મંજૂરી માગવા ઉપરાંત યુરોપિયન મેડિસિન એજન્સી પાસે પણ શરતી મંજૂરી માગશે. કંપનીએ જણાવ્યું હતું કે અમેરિકામાં સપ્લાય માટે તે 2020ના અંત સુધીમાં આશરે 20 મિલિયન ડોઝ તૈયાર કરશે, જેનાથી 10 મિલિયન લોકોને વેક્સિન મળી શકશે.
અમેરિકાની ફાર્મા નિયમનકારી સંસ્થા એફડીએના સ્વતંત્ર એડવાઇઝર્સ મોડર્નાના ટ્રાયલ ડેટાની સમીક્ષા કરવા 17 ડિસેમ્બરે બેઠક યોજશે અને એફડીએને ભલામણ કરશે. તેઓ ફાઇઝરના ડેટાની સમીક્ષા કરવા 10 ડિસેમ્બરે બેઠક યોજશે.