ભારતમાં નવેમ્બર દરમિયાન કોરોના વાઇરસના નવા કેસ અને મોતની સંખ્યામાં અગાઉના મહિનાની સરખામણીમાં 30 ટકાનો ઘટાડો થયો હતો. દેશમાં મંગળવાર સવાર સુધીના છેલ્લાં 24 કલાકમાં 31,118 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા આશરે 94.62 લાખ થઈ હતી. આની સામે આશરે 88,89,585 લોકો રિકવર થયા હતા.
આરોગ્ય મંત્રાલયના મંગળવાર સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 482 નવા મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,37,621 થયો હતો.
દેશમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી નવા કેસમાં ઘટાડો ચાલુ થયો હતો. નવેમ્બર મહિનામાં કોરોનાના કુલ 12,78,727 કેસ નોંધાયા હતા. આની સામે ઓક્ટોબર મહિનામાં 18,71,498 કેસ નોંધાયા હતા, જે દેશમાં કોરોનાના કુલ કેસના આશરે 13.51 ટકા હતા. નવેમ્બર મહિનામાં દેશમાં કોરોનાથી 15,510 લોકોના મોત થયા હતા, જે દેશમાં અત્યાર સુધી થયેલા 1,37,621 મોતના આશરે 11.27 ટકા છે.
કોરોના વાઇરસથી મંગળવાર સુધીમાં આશરે 88,89,585 લોકો રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 93.84 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.45 ટકા રહ્યો હતો. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4,35,603 છે, જે કુલ કેસના આશરે 4.60 ટકા છે.
ICMRના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ 14,13,49,298 કોરોના ટેસ્ટ થયા છે. સોમવારે 9,69,332 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મંગળવાર સવાર સુધીમાં કોરાનાથી દિલ્હીમાં 198, મહારાષ્ટ્રમાં 80, પશ્ચિમ બંગાળમાં 48, હરિયાણામાં 27, પંજાબમાં 27, છત્તીસગઢમાં 21, કેરળમાં 21 તથા ગુજરાત અને રાજસ્થાન પ્રત્યેકમાં 20ના મોત થયા હતા.
કોરોના વાઇરસથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 47,151, કર્ણાટકમાં 11,778, તમિલનાડુમાં 11,712, દિલ્હીમાં 9,174, પશ્ચિમ બંગાળામાં 8,424, ઉત્તરપ્રદેશમાં 7,761 અને ગુજરાતમાં 3,989 લોકોના મોત થયા છે.