બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવકવેરા ખાતાના અધિકારીઓએ અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગુ્પના રમણભાઇ પટેલ અને દશરથભાઈ પટેલની રૂા.1000 કરોડના મૂલ્યની જમીનને મંગળવારે ટાંચમાં લીધી હતી. અમદાવાદ શહેરની રૂા 600 કરોડની અને અમદાવાદ શહેરની બહારની રૂા 400 કરોડની જમીનને ટાંચમાં લેવામાં આવી હતી.
અમદાવાદ શહેરની 49 મિલકતો અને સાણંદ, કલોલ, કેલિયાવાસણા, ગરોળિયાની મળીને કુલ 63 મિલકતોને ટાંચમાં લેવામાં આવી હતી. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી જમીન પણ ટાંચમં લેવાઈ હતી. કુલ 5.92 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ટોંચમાં લેવામાં આવી હતી. આ ગ્રૂપ પાસેથી અત્યાર સુધીમાં રૂા.3.19 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં 91.11 લાખની રોકડ અને રૂા. 2.28 કરોડની જ્વેલરીનો સમાવેશ થાય છે.
આવકવેરાના દરોડા પાડનારા વિભાગના સૂત્રોનું કહેવું છે કે પોપ્યુલર બિલ્ડર ગુ્પને 234 કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, કારણ કે તેમણે તેમની કમાણીના પૈસા લગાવીને જુદી જુદી વ્યક્તિઓ, સહકારી મંડળીઓને નામે મળીને 22 લાખ ચોરસ મીટર જમીનની ખરીદી કરી હતી. દસ વ્યક્તિને નામે પણ તેમણે મિલકતો ખરીદી હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું હતું. આ સાથે જ પોપ્યુલર બિલ્ડર ગુ્પના 100થી વધુ બેન્કન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી.
પોપ્યુલર બિલ્ડરના સોમેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલા ફ્લેટમાંથી મોટી સંખ્યામાં આ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમાં બેનામી મિલકત ધરાવનારા 10ની ઓળખ પાકી કરી લેવામાં આવી છે. આ જ રીતે 16 સહકારી સંસ્થાઓ અને બે કંપનીઓની પણ ઓળખ પાકી કરી લેવામાં આવી છે.