દિલ્હીમાં પંજાબના ખેડૂતોનું આંદોલન ચાલુ છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે દિલ્હી સ્થિત ગુરૂદ્વારા રકાબગંજ જઈને ગુરૂ તેગબહાદુરજીને શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હતો. તેથી કોઈ વિશેષ પોલીસ બંદોબસ્ત નહોતો તેમજ કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યુ ન હતું.
દિલ્હીનુ ગુરૂદ્વારા રકાબગંજ શીખ ધર્મનું પવિત્ર સ્થળ છે. આ ગુરૂદ્વારા સંસદ ભવન નજીક આવેલુ છે. તેનું નિર્માણ વર્ષ 1783માં થયુ હતુ. આ સ્થળે શીખોના નવમાં ગુરૂ ગુરૂ તેગ બહાદુરજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરૂ તેગબહાદુરનો શિરચ્છેદ કર્યો હતો. ગુરૂ તેગ બહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621એ પંજાબના અમૃતસરમાં થયો હતો.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કે ગુરૂ સાહિબની વિશેષ કૃપાને કારણે અમારી સરકારના કાર્યકાળમા અમે ગુરૂ તેગબહાદુરજીનો 400મો પ્રકાશપર્વ મનાવીશુ.