દિલ્હીમાં ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનાથી કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે અન્નદાતાઓની દરકાર લેવામાં નિષ્ફળ ગઈ છે અને હવે તે મગરના આંસુ સારી રહી છે.
ગાંધીનગરમાં ગુડ ગર્વનન્સના એક કાર્યક્રમ દરમિયાન બોલતાં રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને તેમના ઉત્પાદનો પર વ્યાજબી કિંમત મળે તેની ખાતરી આપી છે. અગાઉની કોંગ્રેસની સરકારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટને સાત વર્ષ સુધી ટાળીને ખેડૂતોને અન્યાય કર્યો છે
રૂપાણીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે હવે મગરના આંસુ સારી રહી છે. શા માટે કોંગ્રેસે સાત વર્ષ સુધી સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવા મંજૂરી ના આપી? ખેડૂતોને પાક લણવા માટે જ્યારે પાણીની જરૂર હતી ત્યારે તમે નર્મદાનું પાણી દરિયામાં વહી જવા દીધું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામગીરી સંભાળી તેના 17માં દિવસે જ નર્મદા ડેમ પર દરવાજા લગાવવા મંજૂરી આપી હતી.
ગુજરાતની ભાજપ સરકારે અત્યાર સુધીમાં સૌની યોજના સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. સૌની યોજના અંતર્ગત નર્મદાના વધારાના પાણીની મદદથી સૌરાષ્ટ્રના ડેમોને ભરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ કેનાલ સિંચાઈ યોજના અમલમાં મુકી છે. આ ઉપરાંત કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોને દિવસે વીજળી પહોંચડવામાં આવી છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો બચાવ કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી નિયમિત રીતે વિવિધ ટેકાના ભાવમાં વધારો કરવા પર ભાર આપે છે. ચાલુ વર્ષે રૂ. 1,100ના ભાવે (20 કિલો) મગફળીની ખરીદી કરવામાં આવી. અગાઉ ક્યારેય ખેડૂતોના આ ભાવ નથી મળ્યો. આ ઉપરાંત અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે રૂ.3,700 કરોડનું વળતર પેકેજ પણ મંજૂર કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વીડિયો કોન્ફરન્સથી કરેલા જીવંત પ્રસારણને પણ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યો હતો.