
ચીનની ટોચના ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક અને ચીનના એક સમયના નંબર વન ધનાઢ્ય ઉદ્યોગપતિ જેક મા છેલ્લા બે મહિના ગુમ થયા હોવાનું માનવામાં આવે છે. ચીનની નિયમનકારી સંસ્થાઓએ જેક માના એન્ટ ગ્રૂપ સામે કાર્યવાહી કર્યા બાદ આ અબજોપતિ બે મહિનામાંથી જાહેરમાં દેખાયા નથી. ચીનની સરકારે તેમને દેશ ન છોડવાની પણ તાકીદ કરી હતી.
જે માએ ઑક્ટોબરમાં ચીનની સરકારની ટીકા કરી હતી, ત્યાર પછી તેઓ ક્યાંય દેખાયા નથી. તેમના પોતાના ટેલન્ટ શૉ આફ્રિકાઝ બિઝનેસ હીરોઝના ફાઇનલ એપિસોડમાં તેઓ જજ તરીકે દેખાવાના હતા, એમાં પણ તેમને બદલે અલીબાબાની લ્યુસી પેન્ગ નામનાં અધિકારીને બેસાડી દેવામાં આવ્યાં હોવાના ન્યૂઝ આવતાં આ અટકળોને વેગ મળ્યો હતો.
24 ઑક્ટોબર, 2020ના પ્રવચનમાં જે માએ ચીનના વ્યાજખોર ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ અને ચીનની સરકારી બેંકોની નીતિઓની કડક ટીકા કરી હતી. જૅક માએ ચાઇનીઝ સરકારને બિઝનેસમાં નવાં ઇનોવેશન્સ કરવાનો રસ્તો રોકતી સિસ્ટમમાં ફેરફાર કરવાની પણ અપીલ કરી હતી. આ પ્રવચનને કારણે ચીનની રૂઢિચુસ્ત સામ્યવાદી સરકાર નારાજ થઈ હોવાનું માનવામાં આવે છે.
આ પ્રવચનના એક જ મહિના પછી નવેમ્બર 2020માં ચાઇનીઝ અધિકારીઓએ જૅક માના એન્ટ ગ્રુપનો 37 બિલિયન ડોલરનો ગંજાવર IPO રદ કરાવી દીધો હતો.













