વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે અમેરિકા ખાતેના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં ગુજરાત ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ પ્રવાસીઓ આવે છે. છેલ્લાં બે વર્ષમાં આશરે 50 લાખ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
વિડિયો કોન્ફરન્સ મારફત કેવડિયા માટેની આઠ નવી ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ મોદીએ જણાવ્યું હતું કે કનેક્ટિવિટીમાં વધારો થયા બાદ કેવડિયાની દરરોજ એક લાખ લોકો મુલાકાત લેશે. વડાપ્રધાને ઓક્ટોબર 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે રેલવે કેનેક્ટિવિટીને કારણે પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકોને સૌથી વધુ લાભ થશે. હાલમાં કેવડિયા ગુજરાતના દૂરના વિસ્તારમાં આવેલું એક નાનું ગામ નથી, પરંતુ વિશ્વના સૌથી મોટા પ્રવાસન કેન્દ્ર તરીકે ઊભરતું સ્થળ છે. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની સરખામણીમાં વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. આ પ્રવાસન કેન્દ્રના પ્રારંભ બાદ આશરે 50 લાખ લોકોએ તેની મુલાકાત લીધી છે.