એપલ અને વન પ્લસ જેવી બ્રાન્ડના મજબૂત પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોને કારણે ભારતમાં 2021માં 5G સ્માર્ટફોનનું વેચાણ 2021માં નવ ગણું વધીને 38 મિલિયન યુનિટ થવાનો અંદાજ છે, એમ રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટ્સને જણાવ્યું હતું.
2020ના ત્રીજા ક્વાર્ટરમાં કોરોના મહામારીમાંથી ભારતનું સ્માર્ટફોન માર્કેટ ઝડપથી રિકવર થયું છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાણ થયું હતું. જુની માગ અને નવા યુઝર્સને કારણે માગને વેગ મળ્યો હતો.
કંપનીના અહેવાલમાં જણાવાયું હતું કે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના બજારમાં પ્રથમ 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે ઊંચા ભાવ અને 5G નેટવર્કના અભાવે વેચાણને વેગ મળ્યો ન હતો. જોકે ઓગસ્ટ 2020માં મિડ પ્રાઇસ વન પ્લસ નોર્ડના લોન્ચ સાથે સ્થિતિ પલટાઈ ગઈ હતી.
સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરના અંતે ભારતમાં 5G સ્માર્ટફોનનું વેચાણ 1.7 મિલિયન યુનિટ રહ્યું હતું, જે 2020ના અંત સુધીમાં ચાર મિલિયન યુનિટને વટાવી ગયું હોવાનો અંદાજ છે.એપલ અને વનપ્લાસ બ્રાન્ડને કારણે વેચાણ વધ્યું છે. એપલે 5G સાથે આઇફોન 12 સિરિઝ ફોન લોન્ચ કર્યો હતો. કાઉન્ટરપોઇન્ટ્સે જણાવ્યું હતું કે 2021ના અંત સુધીમાં 5G સ્માર્ટફોનનું વેચાણ નવ ગણું વધીને 38 મિલિયન યુનિટ થવાનો અંદાજ છે.