પ્રિન્સ હેરીના પત્ની અને ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલે અમેરિકાના વિખ્યાત ઓપ્રાહ વિનફ્રીને CBS ટીવી શો માટે આપેલી મુલાકાતમાં ચોંકાવનારા દાવા કરતા બ્રિટન સહિત અમેરિકા અને કોમનવેલ્થ દેશોમાં ચકચાર મચી ગઇ છે. મેગને ચોંકાવનારા દાવા કરતાં જણાવ્યું હતું કે તેણી પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી હતી ત્યારે શાહી જીવનની તાણને લીધે તેને આત્મહત્યા કરવાના વિચારો આવ્યા હતા. આ ઉપરાંત તેમના લગ્ન પહેલા તેના જેઠાણી અને પ્રિન્સ વિલીયમના પત્ની કેટ મિડલટને તેને રડાવી હતી. આ ઉપરાંત તેણે આક્ષેપ કર્યો હતો કે શાહી પરિવારે તેમના પુત્ર આર્ચીને રાજકુમાર બનાવવાનો ઇનકાર કરી શકતા હતા કેમકે કે તેઓ ચિંતિત હતા કે તે કેટલો શ્યામ વર્ણ ધરાવતો હશે?
બીજી તરફ પ્રિન્સ હેરીએ દાવો કર્યો હતો કે ‘’રેસીઝમે મને બ્રિટનમાંથી હાંકી કાઢ્યો હતો અને યુકેનુ પ્રેસ અમારા તરફ મતાગ્રહી છે અને ખાસ કરીને ટેબ્લોઇડ્સ પેપર્સ. મારા દાદી અને મહારાણી પણ મને મળવા માટે ખૂબ વ્યસ્ત હતા.‘’
ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સે ઓપ્રાહ વિનફ્રીને ટીવી પર આપેલી મુલાકાત અમેરિકામાં રવિવારે રાત્રે અને સોમવારે સવારે સીબીએસ પર દર્શાવવામાં આવી હતી. જે શોનું પ્રસારણ લાખો લોકોએ જોયુ હતું અને તેનાથી શાહી પરિવારની પ્રતિષ્ઠાને વિશ્વભરમાં ખરાબ રીતે નુકસાન થઇ શકે છે. બીજી તરફ બ્રિટનના લોકોએ હેરી-મેગન સાથેનો તમામ છેડો ફાડી નાંખવા શાહી પરિવાર પર દબાણ કર્યું છે. તો બીજી તરફ રેસીઝમ થતું હોવાના આક્ષેપો અંગે તપાસ કરવા માંગણી કરાઇ રહી છે.
પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે ‘’અમે શાહી પરિવાર છોડવાનો નિર્ણય કર્યો ત્યારે મહારાણી એલિઝાબેથને મેં અંધારામાં રાખ્યા નહતા. મારા પિતા પ્રિન્સ ચાર્લ્સ મારા ફોનનો જવાબ આપતા નહોતા. અમે બન્ને ભાઈઓ ‘જુદા જુદા રસ્તાઓ’ પર છીએ અને માનુ છું કે અમારી માતા આનાથી ‘ગુસ્સે અને દુ:ખી’ હશે.
શો દરમિયાન મેગન સતત પોતાના બેબી બમ્પને પસવારતી રહી હતી અને દંપત્તીએ ઓપ્રાહને જણાવ્યું હતું કે તે એક છોકરી છે અને તેનો જન્મ સમરમાં થશે. સામાન્ય રીતે શાહી પરિવારમાં આવી જાહેરાત કરી શકાતી નથી.