ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને 31 માર્ચ 2021ના રોજ પેરિસના એલિસી પેલેસમાંથી ટીવી સંબોધન કરીને નવા કોરોના નિયંત્રણોની જાહેરાત કરી હતી. (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને બુધવારે ફ્રાન્સમાં ત્રીજા નેશનલ લોકડાઉનનો આદેશ આપ્યો હતો. આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં કોરોનાનો મૃત્યુઆંક એક લાખની નજીક પહોંચ્યો છે અને ઇન્ટેસિવ કેર યુનિટની અછત વર્તાઈ રહી છે. વેક્સીનની પ્રક્રિયા પણ યોજના કરતાં ધીમી ચાલે છે, તેથી અર્થતંત્રને બચાવવા માટે દેશને ખુલ્લો રાખવાના હેતુની મેક્રોનને ફરી વિચારણા કરવી પડી છે.

ટીવીમાં રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં મેક્રોને જણાવ્યું છે કે, “જો આપણે અત્યારે નિર્ણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવી દઈશું.” પેરિસ તથા દેશના દક્ષિણ ભાગમાં એક સપ્તાહથી વધુ સમયથી નિયંત્રણો લાગુ પડેલા છે. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મેક્રોને જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે.

મેક્રોનને જણાવ્યું છે કે, હાલ સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન 10 કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં 46 લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 31 માર્ચે ફ્રાન્સમાં એક દિવસમાં 29,575 નવા કેસ નોંધાયા હતા.