છત્તીસગઢમાં બિજાપુરમાં નક્સલવાદીઓના હુમલા બાદ સુરક્ષા જવાનો પોતાના સહયોગી જવાનોનો મૃતદેહ લઈને જઈ રહ્યાં છે. REUTERS/Stringer

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એલિટ કોબરા યુનિટ, ડિસ્ટ્રિક રિઝર્વ ગાર્ડ અને સ્પેશ્યલ ટાસ્ટ ફોર્સના જવાનો પર રાજ્યના આદિવાસી વિસ્તારમાં શનિવારે હુમલો થયો હતો. રાજ્યમાં 2017 પછીનો નક્સલવાદીઓનો આ સૌથી મોટો હુમલો હતો.

રવિવારે વધુ ૧૭ જવાનોના શબ મળ્યાં હતા. શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એનકાઉન્ટર બાદ ૨૧ જવાન ગુમ હતા. રવિવારે સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળેથી સુરક્ષાકર્મીઓના ૧૭ વધુ શબ મળી આવ્યા હતી. આમ નક્સલી હુમલામાં અત્યાર સુધી કુલ ૨૨ જવાન શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે, કાલે પાંચ જવાન શહીદ થયા હતા અને લગભગ ૩૦ ઇજાગ્રસ્ત જવાન હોસ્પિટલમાં ભરતી છે.

બીજાપુરના એસપી કામાલોચન કશ્યપે આ વાતની પૃષ્ટિ કરી છે કે શહીદ થનારા જવાનોની સંખ્યા ૨૨ થઇ છે અને આમાંથી ૧૫ શબ મળ્યા છે. પાંચ શબ શનિવારે મળ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને ઘટનાસ્થળથી એક મહિલા નક્સલીનો શબ મળ્યો હતો.

બસ્તર વિસ્તારમાં શનિવારે બોપેરે જોનાગુડા ગામ પાસે નક્સલીઓની પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી બટાલિયન અને તર્રેમના સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી, જે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. અથડામણમાં કોબરા બટાલિયનનો એક જવાન, બસ્તરિયા બટાલિયનના બે જવાન તથા ડીઆરજીના બે જવાન શહીદ થયા હતા. આ દરમિયાન ૩૦ જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોમાંથી સાત જવાનને રાયપુરની હોસ્પિટલમાં તથા ૨૩ જવાનોને બીજાપુરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.