પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા હતા અને 14 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 2,024 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં નવા 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4566 પર પહોંચ્યો હતો. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો હતો, એમ સરકારે રવિવારે સાંજે જારી કરેલા ડેટામાં જણાવાયું હતું.

અમદાવાદમાં 664, સુરતમાં 545, વડોદરામાં 309, રાજકોટમાં 233 કેસો નોંધાયા હતા. સુરતમાં 8, અમદાવાદમાં 4, અમરેલી અને વડોદરામાં 1-1 મળી કુલ 14 દર્દીના મોત થયાં હતા. આ પહેલા 7 ડિસેમ્બરે 14 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 14 દર્દીના મોત થયા છે. કોરોનાનો રિક્વરી રેટ 93.81 ટકા થયો હતો.
આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો હતો. વડોદરા શહેરમાં માત્ર 972 લોકોનું જ વેક્સિનેશન થયું છે અને અમદાવાદ શહેરમાં 31,142 લોકોનું રસીકરણ થયું છે.
બે પ્રધાનો કોરોનાગ્રસ્ત

રાજ્યના વન પ્રધાન ગણપતસિંહ વસાવા અને શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરનો કોરોના રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો હતો. ​​​​​​​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા હતા.