પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના ન્યૂજર્સીના એર્લિંગ્ટન શહેરમાં એક ભારતીય દંપત્તિ તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પડોશીઓએ ચાર વર્ષની પુત્રીને ઘરની બાલ્કનીમાં રડતાં જોયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. યુએસ મીડિયાના અહેવાલ મુજબ નોર્થ અર્લિગ્ટન એપોર્ટમેન્ટમાં સ્ટેબિંગને કારણે આ દંપત્તિનું મોત થયું હોવાની શક્યતા છે.
મીડિયા અહેવાલ મુજબ દંપત્તિ વચ્ચે તેમના લિવિંગ રૂમમાં ઝઘડો થયો હતો અને પતિએ પત્નીના પેટમાં ધારદાર હથિયારથી સ્ટેબિંગ કર્યું હોય તેમ લાગે છે.

ન્યૂજર્સીના નોર્થ અર્લિંગ્ટનના રિવરવ્યૂ ગાર્ડન્સ કોમ્પ્લેક્સમાં ગાર્ડન ટેરેસ એપોર્ટમેન્ટમાંથી બાલાજી ભરત રુદ્રવર (32 વર્ષ) અને તેમની પત્ની આરતી બાલાજી રુદ્રવર (30 વર્ષ)ના મૃતદેહ મળ્યા હતા.

બાલાજીના પિતા ભરત રુદ્રવરે જણાવ્યું હતું કે બુધવારે પડોશીઓ મારી પૌત્રીને બાલ્કનીમાં રડતા જોયા બાદ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને ઘરમાં જોયું તો બંને મૃત હાલતમાં હતા.

કેટલાંક સ્થાનિક વર્તમાનપત્રોના અહેવાલમાં કંટ્રી પ્રોસેક્યુટરની ઓફિસને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે તપાસકર્તા અધિકારીઓ મોતનું કારણ અને કેવી સ્થિતિમાં મોત થયું તે જાણવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છે. જોકે અધિકારીઓએ સ્ટેબિંગને કારણે બંનેના મોત થયા હોવાને પુષ્ટી આપી હતી.

રૂદ્વવરે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે મને ગુરુવારે જાણ કરી હતી. મોતના કારણ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. યુએસ પોલીસે ઓટોપ્સી રિપોર્ટની માહિતી આપવાનું કહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી પુત્રવધુને સાત માસનો ગર્ભ હતો. અમેરિકાના સત્તાવાળાએ માહિતી આપી છે કે જરૂરી ઔપચારિકતા પૂરી કર્યા બાદ ભારતમાં મૃતદેહ પહોંચતા ઓછામાં ઓછા 8થી 10 દિવસ થશે.

બાલાજી રૂદ્રવર આઇટી પ્રોફેશનલ હતા અને તેઓ મહારાષ્ટ્રના બિડ જિલ્લાના અંબાજોગાઈના વતની હતી. ડિસેમ્બર 2014માં લગ્ન બાદ તેઓ ઓગસ્ટ 2015માં અમેરિકા ગયા હતા. બાલાજી અમેરિકામાં ભારતની એક અગ્રણી ઇન્ફોટેક કંપનીમાં કામ કરતા હતા અને પત્ની ગૃહણી હતી.