NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI4_11_2021_001010001)

ભારતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને દેશમાં સોમવારે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસના સંદર્ભમાં પણ બ્રાઝિલને પાછળ રાખીને ભારત વિશ્વમાં બીજા ક્રમે આવી ગયું હતું. ભારતના આરોગ્ય મંત્રાલયના સોમવાર સવાર આઠ વાગ્યાના ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1,68,912 નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં એક દિવસમાં 904 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 1,70,179 થયો હતો.

રોઇટર્સના ડેટા અનુસાર કોરોના વાઇરસના કુલ કેસના સંદર્ભમાં બ્રાઝિલને પાછળ રાખીને ભારત બીજા ક્રમે સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત દેશ બન્યો હતો. ભારતમાં કુલ કેસ વધીને 13.53 મિલિયન થયા હતા. આની સામે સોમવાર સુધીમાં બ્રાઝિલમાં કુલ 13.45 મિલિયન કેસ નોંધાયા હતા. અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ વધુ 31.2 મિલિયન કેસ નોંધાયા હતા.

કુલ 168,912 નવા કેસ સાથે વિશ્વમાં દરેક છ નવા કેસમાંથી એક કેસ ભારતમાં નોંધાયો હતો. જોકે આ આંકડો અમેરિકાના આઠ જાન્યુઆરીના આશરે 300,000 નવા કેસ કરતાં ઘણો નીચો છે.

દસ રાજ્યોમાં 83.02 ટકા કેસ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કુલ નવા કેસમાંથી મહારાષ્ટ્રમાં એક દિવસમાં 63,294 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 15,276 કેસ નોંધાયા હતા અને દિલ્હીમાં 10,774 કેસ નોંધાયા હતા. દેશના કુલ કેસમાંથી દસ રાજ્યોમાં 83.02 ટકા કેસ નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશના 16 રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારાનો ટ્રેન્ડ છે. રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

એક્ટિવ કેસની સંખ્યા સતત 33માં દિવસે વધી

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 33માં દિવસે વધીને 12,01,009 થઈ હતી, જે કુલ કેસના આશરે 8.88 ટકા છે. દેશના કુલ એક્ટિવ કેસમાંથી 70.16 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળમાં હતા. કુલ એક્ટિવ કેસમાંથી 47.22 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં હતા.

દેશમાં કોરોનાથી સોમવારે 75,086 લોકો રિકવર થયા હતા અને તેનાથી કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,21,56,529 થઈ હતી. દેશમાં એક દિવસમાં થયેલા કુલ 904 મોતમાંથી દસ રાજ્યોમાં 89.16 ટકા મોત થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 349 અને છત્તીસગઢમાં 122 લોકોના મોત થયા હતા.

માત્ર ચાર ટકાને વેક્સિન

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર ખતરકાર બની છે ત્યારે દેશની કુલ 1.4 બિલિયનની વસતિમાંથી માત્ર ચાર ટકાને વેક્સિન આપવામાં આવી છે. કોરોના વિસ્ફોટ થયો હોવા છતાં કુંભમેળામાં સોમવારે ગંગા નદીમાં હજારોએ એકઠા થઈને પવિત્ર સ્નાન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સહિતના ચાર મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ચૂંટણીસભામાં હજારોની મેદની એકઠી થઈ રહી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં બે ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું.