કોરોનાની સારવારમાં વપરાતી એન્ટિ-વાઈરલ દવા રેમડેસિવિરની નિકાસ પર ભારત સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. કોરોનાની મહામારીને કારણે ભારતમાં તેની ઊંચી માગ અને અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે.

રેમડેસિવિર અને તેના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિઅન્ટ્સ (એપીઆઈ) એટલે કે દવા સર્જન માટે જરૂરી મહત્ત્વના તત્ત્વોની નિકાસ પર પણ પ્રતિબંધ મુકાયો હતો. જેથી ભારતમાં જે દવા ઉત્પાદિત થશે તે ભારતમાં જ રહેશે અને જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહેશે. આ ઉપરાંત સરકારના આદેશ મુજબ ફાર્મા કંપનીઓએ આ દવાના સ્ટોકની માહિતી વેબસાઇટ પર મુકવી પડશે.

કંપનીઓએ આ દવાનો સ્ટોક કેટલો છે અને ક્યા સ્ટોકિસ્ટ-ડિસ્ટ્રીબ્યુટર પાસે છે એ પણ સ્પષ્ટ કરવું પડશે. કોરોનાના કેસમાં જે દર્દીનું ઓક્સિજન લેવલ ઘણું ઘટી ગયું હોય તેને રેમડેસિવિરનું ઈન્જેક્શન આપવાની ડોક્ટરો સલાહ આપતા હોય છે. તેથી તેની માગ વધી હતી. એ વધેલી માગને પગલે દવાની કાળાબજારી તથા ગેરકાયદેસર વેચાણના કિસ્સા પણ સામે આવ્યા છે.

આ દવા અમેરિકાની ગ્લિએડ સાયન્સ કંપનીએ વિકસાવી છે. તેણે ભારતમાં સાત કંપનીઓને રેમડેસિવિરના ઈન્જેક્શન ઉત્પાદિત કરવાનું લાઈસન્સ આપ્યું છે. સાતેય કંપનીઓ મળીને મહિને 38.80 લાખ ડોઝ-ઈન્જેક્શન ઉત્પાદિત કરી શકે છે.