ભારતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 1,000થી વધુ લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ સતતમાં 37માં દિવસે વધીને 15 લાખને વટાવી ગઈ હતી. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 1,74,308 થયો હતો. કોરોનાના કુલ નવા કેસમાંથી 80 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જારી કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2,17.353 નવા કેસ સાથે કુલ કેસનો આંકડો વધીને 1,42,91,917 થયો હતો.
દસ રાજ્યોમાં નવા કેસોમાંથી 79.10 ટકા કેસ નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 61,695 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 22,339 અને દિલ્હીમાં 16,699 કેસ નોંધાયા હતા.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 15,69,743 થઈ હતી, જે કુલ કેસના 10.98 ટકા થાય છે. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 97,866નો જંગી વધારો થયો હતો. કુલ એક્ટિવ કેસમાંથી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં 65.86 ટકા કેસ હતા. દેશના કુલ એક્ટિવ કેસમાંથી એકલા મહારાષ્ટ્રમાં 39.60 ટકા કેસ હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એક દિવસમાં કોરોનાથી 1,185 લોકોના મોત થયા હતા. આમાંથી 85.40 ટકા મોત દસ રાજ્યોમાં થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 349 અને છત્તીસગઢમાં 135 લોકોના મોત થયા હતા.