પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઘરેલુ અને વિદેશી બજારની મજબૂત માગને પગલે ચીનના જીડીપીમાં 2021ના પ્રથમ ક્વાર્ટરમાં 18.3 ટકાનો ઉછાળો આવ્યો હતો. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રને 2020ની લો બેઝની પણ પોઝિટિવ અસર થઈ હતી,
નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ)એ શુક્રવારે જારી કરેલા ડેટા અનુસાર પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વધીને 3.92 ટ્રિલિયન ડોલર થઈ હતી. ચીન સત્તાવાર રીતે 1993થી જીડીપી ડેટા જારી કરે છે અને આ પછીનો જીડીપીમાં ત્રિમાસિક ધોરણે આ સૌથી મોટો ઉછાળો છે.

ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો અને માર્કેટ વેચાણમાં વધારો થયો હતો. ફિકસ્ડ એસેટ ઇન્વેસ્ટમેન્ટમાં રિકવરી આવી હતી અને વિદેશી વેપારમાં મોમેન્ટમ આવ્યું હતું.
કોરોના મહામારીથી દુનિયામાં સૌ પ્રથમ ફટકો ચીનના અર્થતંત્રને પડ્યો હતો અને સૌ પ્રથમ રિકવરી પણ ચીનમાં આવી છે. 2020માં ચીનના અર્થતંત્રમાં 2.3 ટકા વૃદ્ધિ થઈ હતી, જે 45 વર્ષમાં સૌથી નીચો ગ્રોથરેટ હતો.
એનબીએસના ડેટામાં જણાવ્યા અનુસાર 2020માં ચીનનું અર્થતંત્ર 2.3 ટકા વધીને 15.42 ટ્રિલિયન ડોલરનું થયું હતું.ચીનના ચલણમાં જોઇએ તે જીડીપી 100 ટ્રિલિયન યુઆનને વટાવી ગયું હતું. આ મહિનાના પ્રારંભમાં આઇએમએફએ અંદાજ મુક્યો હતો કે ચીનનું અર્થતંત્ર ચાલુ વર્ષે 8.4 ટકા વૃદ્ધિ નોંધાવશે.