ભારતમાં અજગરભરડો ફેલાવનાર કોરોનાવાયરસ રોગચાળા સામે હોસ્પિટલોના સંચાલનો, કોવિડ સેન્ટર્સની રચના તથા ભારતભરમાં બી.એ.પી.એસ. કોવિડ-19 રાહત પ્રયાસોને ટેકો આપવા માટે યુ.કે. સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા  દ્વારા દાન એકત્ર કરવા એક કટોકટી અપીલ શરૂ કરવામાં આવી છે.

પવિત્ર એવા પ. પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદથી, ભારતમાં BAPS દ્વારા વડોદરા જિલ્લાના અટલાદરામાં 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલ અને તબીબી કેન્દ્રની રચના કરવામાં આવી છે. જેમાં આઇસીયુ સુવિધાઓ, જીવન બચાવતા ઓક્સિજનની જોગવાઈ તેમજ તબીબી સ્ટાફ માટે ભોજન અને પી.પી.ઈ.ની વ્યવસ્થા કરાઇ છે.

આ ઉપરાંત, બીએપીએસ દ્વારા બેડીંગ, કિચન યુનિટ, પાણી પુરવઠો, વીજળી, પંખા, એર કુલીંગ યુનિટ, મોબાઇલ ટોયલેટ્સ, બાથરૂમ યુનિટ, અને પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

નીસ્ડન ટેમ્પલના હોલિસ્ટીક ‘કનેક્ટ એન્ડ કેર’ના આઉટરીચ કાર્યક્રમ દ્વારા યુકેમાં સ્થાનિક સમુદાયોમાં સંવેદનશીલ લોકોને ટેકો આપવાનું ચાલુ છે. આ ઉપરાંત, ભારતમાં તેના મંદિરોના નેટવર્ક દ્વારા, તે કોવિડ રોગચાળાની શરૂઆતથી જ જરૂરી રાહત કાર્ય, ખોરાકની જોગવાઈઓ અને તબીબી પુરવઠો પૂરા પાડવામાં સક્રિય છે.

નીસ્ડન મંદિરના વડા યોગવિવેકદાસ સ્વામીએ કહ્યું હતું કે, “ભારતની પરિસ્થિતિ ભયાનક અને નિર્ણાયક છે. દરરોજ હજારો લોકો મરી રહ્યાં છે, તો કૃપા કરીને BAPS રાહત કાર્યને ટેકો આપો અને જીવન બચાવવા માટે ઉદારતાથી દાન કરો.’’

આપનું દાન neasdentemple.org/donate ની મુલાકાત લઈને અથવા [email protected] ને ઇમેઇલ કરીને કરી શકાય છે.