REUTERS/Francis Mascarenhas/File Photo

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આશરે એક સપ્તાહના સમયગાળામાં જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલ શરુ કરશે. આ હોસ્પિટલના 400 બેડ આગામી રવિવાર સુધી જ કાર્યરત થશે. 400 બેડ શરુ થયા બાદ વધારાના 600 બેડ ઉમેરીને એકાદ સપ્તાહમાં આ હોસ્પિટલને સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત કરાશે. હોસ્પિટલ માટે જરુરી તમામ સાધન સામગ્રીની વ્યવસ્થા રિલાયન્સ દ્વારા કરાશે, જ્યારે મેડિકલ સ્ટાફ રાજ્ય સરકાર પૂરો પાડશે.

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે મેડિકલ ફેસિલિટી વધારવાના પ્રયાસોના ભાગરુપે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં ૧,૦૦૦ બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જેના પર ત્વરિત પ્રતિસાદ આપતા મુકેશ અંબાણીએ આ હોસ્પિટલ ઉભી કરવાની જાહેરાત કરી હતી.

આ હોસ્પિટલથી માત્ર જામનગર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના આજુબાજુના દર્દીઓને સારવાર મળી શકશે. રિલાયન્સ તેની જામનગર રિફાઇનરીમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતને ઓક્સિજનનો સપ્લાય આપી રહી છે. કંપનીએ મેડિકલ ઓક્સિજનના ઉત્પાદનને અગાઉના દૈનિક 100 ટનથી વધારીને દૈનિક 700 ટન કર્યો છે. કંપનીએ ઉત્પાદનને વધારીને 1,100 ટન કરે તેવી શક્યતા છે.