અમેરિકા સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફંડ KKR ગુજરાત સ્થિત વિની કોસ્મેટિક્સમાં 54 ટકા હિસ્સો ખરીદવા માટે 625 મિલિયન ડોલર (આશરે રૂ. 4,600 કરોડ)નું રોકાણ કરશે. વિની કોસ્મેટિક્સ ભારતની સૌથી મોટી ડિઓડરન્ટ બ્રાન્ડ ફોગની માલિક છે. આ સોદામાં વિની કોસ્મેટિક્સનું મૂલ્ય આશરે રૂ.8,500 કરોડ આંકવામાં આવ્યું છે.
સત્તાવાર નિવેદન અનુસાર પ્રાઇવેટ ઇક્વિટી કંપનીએ આ સોદા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત કંપનીના સ્થાપકો દર્શન પટેલ અને દિપમ પટેલ અને સિક્વોયા કેપિટલના તેમનો હિસ્સો વેચશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીના સહ-સ્થાપકો વિનીમાં આ સોદા બાદ પણ નોંધપાત્ર હિસ્સો ધરાવશે અને કંપનીના આગામી તબક્કાના વિકાસમાં કેકેઆર સાથે સહયોગ કરશે. આ ઉપરાંત હાલના રોકાણકાર વેસ્ટબ્રીજ કેપિટલ વિનીમાં તેની શેરહોલ્ડિંગ વધારવા માટે સ્થાપક જૂથ પાસેથી વધુ હિસ્સો ખરીદશે. જુલાઈ, 2021ના અંતે આ સોદો પૂર્ણ થવાનો અંદાજ છે. 11 વર્ષ જૂની કંપની વિની કોસ્મેટિક્સ 55થી વધુ દેશોમાં તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે અને ભારતમાં વેચાણ માટે 7 લાખ પોઇન્ટ સેલિંગ નેટવર્ક છે.
ભારતના કન્ઝ્યુમર સેક્ટરમાં રોકાણ માટે પીઇ ફંડ અને વ્યૂહાત્મક રોકાણકારો મોટો ઉત્સાહ દર્શાવી રહ્યા છે. અગાઉ રેકિટ બેન્કીસર્સે પારસ ફાર્માને 726 મિલિયન ડોલર (રૂ.3,260 કરોડ)માં ખરીદી હતી. પારસ ફાર્મા પાસે મૂવ, ક્રેક, ડી કોલ્ડ જેવી બ્રાન્ડ છે.